
મોરબી : દેશના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ હળવદ તાલુકા ખાતે ભવ્ય રીતે યોજાયો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પ્રશાસનના અધિકારીઓ, તાલુકા સ્તરના અધિકારીઓ, લોક પ્રતિનિધિઓ, શિક્ષણ જગતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

કાર્યક્રમની શરૂઆત દેશભક્તિગીતોથી કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.

ત્યારબાદ રાષ્ટ્રીય ગીત તથા રાષ્ટ્રગાન સાથે દેશ માટે સમર્પણનો સંકલ્પ લેવાયો. કાર્યક્રમ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે પ્રગતિ હાંસલ કરનાર વ્યક્તિઓને પ્રશંસા પત્ર વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા.

આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિ નૃત્યોની રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિના જુસ્સા અને એકતાના ભાવની ઝાંખી જોવા મળી હતી.


















