
આગામી 1 જાન્યુઆરી, 2026થી દેશભરના CNG અને PNG વપરાશકર્તાઓ માટે રાહતના સમાચાર છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ(PNGRB) દ્વારા ગેસ ટ્રાન્સપોર્ટ ટેરિફના માળખામાં સુધારો કરવામાં આવતા ગેસના ભાવમાં પ્રતિ યુનિટ 2થી 3 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.
ટેરિફ માળખામાં શું ફેરફાર થયો?
PNGRBના સભ્ય એ. કે. તિવારીએ જણાવ્યું હતું કે, બોર્ડે હાલની જટિલ ટેરિફ વ્યવસ્થાને સરળ બનાવી છે. અત્યાર સુધી અમલમાં રહેલી ત્રણ ઝોનની વ્યવસ્થાને નાબૂદ કરીને હવે માત્ર બે ઝોન કરવામાં આવ્યા છે.
દૂરના વિસ્તારોને મળશે મોટો આર્થિક લાભ

PNGRB દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ટેરિફ માળખાના વિશ્લેષણ મુજબ, ગેસ ટ્રાન્સપોર્ટેશનના દરોમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે. અગાઉની વ્યવસ્થામાં 200 કિમી સુધીના અંતર માટે 42 રૂપિયાનો ટેરિફ હતો, જ્યારે 300થી 1,200 કિમી માટે 80 રૂપિયા અને 1,200 કિમીથી વધુ અંતર માટે 107 રૂપિયા ચૂકવવા પડતા હતા. જોકે, હવે આ અંતરના ભેદભાવને દૂર કરીને તેને ‘યુનિફાઇડ’ એટલે કે એકીકૃત કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા હેઠળ, લાંબા અંતરના બંને સ્લેબ (300 કિમીથી વધુના તમામ અંતર) માટે હવે માત્ર 54 રૂપિયાનો સમાન ટેરિફ લાગુ થશે. આ ફેરફારને કારણે ખાસ કરીને દૂરના વિસ્તારોમાં ગેસ પહોંચાડવાનો ખર્ચ ઘટશે, જેનો સીધો લાભ ગ્રાહકોને ભાવ ઘટાડા સ્વરૂપે મળશે.

યુનિફાઇડ ટેરિફ સિસ્ટમનો પ્રારંભ
અંતરના આધારે લેવાતાં અલગ-અલગ રેટની પ્રથા નાબૂદ કરી હવે ‘યુનિફાઇડ’ ટેરિફ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. નવા નિયમો મુજબ, 300 કિમીથી વધુના તમામ અંતર માટે હવે એકસમાન 54 રૂપિયાનો રેટ નક્કી કરાયો છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થયેલો આ ઘટાડો ખાસ કરીને અંતરિયાળ વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેના કારણે સામાન્ય ગ્રાહકોના ગેસ બિલમાં સીધો ઘટાડો જોવા મળશે.

ગ્રાહકો અને ઓપરેટરો બંનેને ફાયદો
PNGRBના આ મહત્ત્વાકાંક્ષી નિર્ણયથી દેશના 312 ભૌગોલિક વિસ્તારોમાં કાર્યરત 40 જેટલી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન(CGD) કંપનીઓના ગ્રાહકોને સીધો આર્થિક ફાયદો થશે. આ ફેરફારને કારણે CNGનો ઉપયોગ કરતાં વાહનચાલકોના ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે, તો બીજી તરફ રસોડામાં PNG વાપરતી ગૃહિણીઓને પણ ગેસ બિલમાં મોટી રાહત મળશે. વધુમાં, PNGRBએ એ બાબત પર પણ ભાર મૂક્યો છે કે ટેરિફમાં કરાયેલા આ ઘટાડાનો સંપૂર્ણ લાભ છેવાડાના ગ્રાહકો સુધી પહોંચવો અનિવાર્ય છે અને આ પ્રક્રિયા પર બોર્ડ દ્વારા કડક દેખરેખ રાખવામાં આવશે જેથી કંપનીઓ પારદર્શક રીતે ભાવ ઘટાડાનો અમલ કરે.







