
વિશ્વની બે સૌથી મોટી ટેક કંપનીઓ એપલ અને ગુગલે લોકોને એક નવી સાયબર ચેતવણી મોકલી છે. અનેક દેશના ફોન વપરાશકર્તાઓને ચેતવણી અપાઈ છે. આ કંપનીઓએ જણાવ્યું હતું કે, કેટલાક ખતરનાક જાસૂસી સોફ્ટવેર તેમના ફોનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ હુમલાઓ સરકારો સાથે જોડાયેલા હોઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવી ચેતવણીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે પણ એપલ અને ગુગલને ખબર પડે છે કે કોઈનો ફોન હેક કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે તેઓ તે વપરાશકર્તાને સીધો મેસેજ મોકલે છે. આ હેકિંગ કોઈ સામાન્ય ચોરી માટે નથી, પરંતુ ખૂબ જ મોંઘા અને ગુપ્ત જાસૂસી ટૂલ્સનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. ખતરનાક જાસૂસી સોફ્ટવેર ચિંતા વધારી છે, ત્યારે 150 દેશોના લોકોને એપલ-ગૂગલે ચેતવણી આપી છે. જેમાં લોકોએ બચવા માટે શુ કરવું, તે જાણીએ.

એપલ અને ગુગલની ચેતવણી
ધ 420 રિપોર્ટ મુજબ, એપલે 2 ડિસેમ્બરે ઘણા લોકોને મેસેજ મોકલ્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 150થી વધુ દેશોમાં લોકોને સમાન ચેતવણીઓ મોકલવામાં આવી છે. એપલે આ વખતે કેટલા લોકોને મેસેજ મળ્યો અથવા કયા હેકર્સ તેની પાછળ હતા તે જાહેર કર્યું ન હતું, પરંતુ જણાવ્યું હતું કે આ ધમકી ખૂબ જ ગંભીર હતી.

જ્યારે 3 ડિસેમ્બરે ગુગલે પણ ચેતવણી જારી કરી હતી. ગુગલે શોધી કાઢ્યું હતું કે, ઇન્ટેલેક્સા નામનું સ્પાયવેર સેંકડો એકાઉન્ટ્સને નિશાન બનાવી રહ્યું છે. આ સોફ્ટવેર પાકિસ્તાન, કઝાકિસ્તાન, અંગોલા, ઇજિપ્ત, ઉઝબેકિસ્તાન, સાઉદી અરેબિયા અને તાજિકિસ્તાન જેવા દેશોમાં સક્રિય હતું. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા કંપની પર પહેલાથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં તે કાર્યરત છે.

જાસૂસી સોફ્ટવેર શું કરી શકે છે?
આ ખતરનાક સોફ્ટવેર તમારા ફોનમાં ઘૂસી શકે છે. આ પછી મેસેજ, ફોટા, લોકેશન, કોલ રેકોર્ડિંગ્સ અને પાસવર્ડ્સ જોઈ શકશે. ક્યારેક તેમના દ્વારા ફોનના કેમેરા અને માઇક્રોફોન પણ ચાલુ કરી શકે છે, જેની ફોન માલિકને ખબર પણ ન પડે.

સરકાર કરશે તપાસ
જ્યારે પણ એપલ અને ગુગલ આવી ચેતવણીઓ આપે છે, ત્યારે ઘણા દેશોની સરકારો અને એજન્સીઓ તપાસ શરૂ કરી દે છે. યુરોપિયન સંઘમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓના ફોન પહેલા પણ હેક થયા છે, તેથી પરિસ્થિતિ વધુ ગંભીર છે.

ગોપનીયતા અને સુરક્ષા પર એક નવો વિવાદ
આ ચેતવણીએ ફરી ચર્ચા જગાવી છે. એક તરફ રાષ્ટ્રોની સુરક્ષા છે અને બીજી તરફ સામાન્ય લોકોની ગોપનીયતા. સ્પાયવેર વિકસાવતી અને વેચતી કંપનીઓ ઝડપથી વધી રહી છે. માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે, દેશોએ નિયમો વિકસાવવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.

એપલ અને ગુગલે કહ્યું કે, ફોન વપરાશકર્તા લોકોને જો ચેતવણીનો મેસેજ આવે તો તરત જ પોતાનો ફોન અપડેટ્સ કરે અને પાસવર્ડ બદલે. પછી ટુ સ્ટેપ વેરિફિકેશન શરૂ કરે અને કોઈપણ અજાણી લિન્ક પર ક્લિક ન કરે. આ પ્રકારની સામાન્ય સાવચેતી હેકિંગથી બચાવશે.









