
પીએમ નરેન્દ્ર મોદીના આગામી જન્મ દિવસ નિમિતે ગુજરાત ભરમાં ઉજવણી માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે તેમના જન્મદિવસની પૂર્વ સંધ્યાને રાજ્યભરમાં 300થી વધુ જગ્યાએ મહા રક્તદાન શિબિર યોજાશે. આ શિબિરોમાં શિક્ષકોએ ભાગ લેવાનો રહેશે, જેને ધ્યાને લઈને રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે.

આગામી 17 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. જે આખા ભારત સહિત ગુજરાતમાં પણ ધામધૂમથી ઉજવાશે. ખાસ પીએમ નરેન્દ્ર મોદીના આ જન્મદિવસની પૂર્વ સંધ્યાને એટલે કે 16મી સપ્ટેમ્બરે રાજ્યભરમાં 300થી વધુ જગ્યાએ મહા રક્તદાન શિબિર યોજાશે. આ શિબિરોમાં શિક્ષકોએ ભાગ લેવાનો રહેશે, જેને ધ્યાને લઈને રાજ્ય સરકારે 16મી સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓનો સવારે સમય 8થી 11 વાગ્યા સુધીનો રાખવાનો નિર્ણય લીધો છે.

આ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 16મી સપ્ટેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી રાજ્યભરના 300થી વધુ સ્થળોએ રક્તદાન શિબિર યોજાશે. આ શિબિર વડાપ્રધાનના જન્મદિવસની પૂર્વસંધ્યાએ આયોજિત થવાને કારણે રાજ્ય સરકાર તેને એક વિશાળ સામાજિક અભિયાન તરીકે લઈ રહી છે. આ શિબિરમાં સામાન્ય નાગરિકો ઉપરાંત સરકારી તંત્ર, કર્મચારીઓ અને શિક્ષકોને પણ જોડવામાં આવશે.

શિક્ષકો માટે શાળાના સમયમાં ફેરફાર
આ આયોજનને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ શાશનાધિકારીઓને લેખિત સૂચના આપીને આ સમયપત્રકનો અમલ કરાવવા જણાવ્યું છે. આ સૂચનામાં જણાવાયું છે કે, રાજ્યના પ્રાથમિક શિક્ષણ મંત્રીના કાર્યાલય તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પત્રના અનુસંધાને, એક દિવસ માટે તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 8થી 11 રાખવો ફરજિયાત રહેશે.

આદેશનું પાલન ફરજિયાત
ઉલ્લેખનિય છે કે, શિક્ષકોને આ રક્તદાન શિબિરમાં જોડાવવા માટે પૂરતો સમય મળે તે માટે શાળાના સમય ઘટાડવામાં આવ્યા છે. એટલે કે, શિક્ષકોએ સવારે શૈક્ષણિક કામગીરી પૂર્ણ કર્યા બાદ બપોર પછી સમાજ ઉપયોગી કાર્ય તરીકે રક્તદાન શિબિરમાં ભાગ લઇ શકશે. ત્યારે સ્થાનિક તંત્રને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, આ આદેશનું પાલન રાજ્યની દરેક પ્રાથમિક શાળામાં કરાવવું ફરજિયાત રહેશે. તમામ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીઓની દેખરેખ હેઠળ શિક્ષકોને અને શાળાઓને જાણ કરવામાં આવી રહી છે.

















