12 જૂને (ગુરુવાર) અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એર ઇન્ડિયાનું વિમાન AI-171 અમદાવાદમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દર્દનાક ઘટના બાદ એર ઇન્ડિયા વિમાન કંપનીએ એક મોટો નિર્ણય લીધો છે.

AI-171 નંબરનો ક્યારેય ઉપયોગ નહીં થાય
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં વિમાનમાં સવાર 242માંથી 241 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમદાવાદથી લંડન જઈ રહેલી ‘એર ઈન્ડિયા ફ્લાઇટ 171’ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. જે બાદ એર ઈન્ડિયા તથા AI એક્સપ્રેસે ફ્લાઇટ નંબર ‘171’નો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક સામાન્ય પ્રથા છે કે ઘાતક વિમાન દુર્ઘટનાઓ બાદ એરલાઇન્સ વિશેષ ફ્લાઇટ નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 17 જૂનથી અમદાવાદ-લંડન ગેટવિકની ફ્લાઇટ માટે ‘AI 171’ ના બદલે ‘AI 159’ ફ્લાઇટ નંબરનો ઉપયોગ કરવામાં આવશે. બુકિંગ સિસ્ટમમાં જરૂરી ફેરફારો શુક્રવારે જ કરી દેવામાં આવ્યા છે.

આ પહેલાં ‘આઇએક્સ 171’ ને કરી હતી બંધ
એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ પોતાની ફ્લાઇટ નંબર ‘171’ને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે ફ્લાઇટ નંબર ‘171’ ને બંધ કરવાનો મતલબ દિવંગત આત્માઓ પ્રત્યે સન્માનનું પ્રતીક છે. આ પહેલા 2020માં પણ એર ઇન્ડિયા એક્સપ્રેસે કોઝિકોડમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનના ફ્લાઇટ નંબરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. તે દુર્ઘટનામાં 21 લોકોના મોત નીપજ્યા હતા.

























