
ટૂંક સમયમાં હર્ષોલ્લાસ સાથે વર્ષ 2025 સમાપન થવાનું છે અને વર્ષ 2026નું આગમન થવાનું છે. આમ તો દેશમાં 90 કરોડથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ છે, જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સ 55 કરોડથી વધુ હોવાનો અંદાજ છે, આ યુઝર્સોએ ‘વર્ષ 2025માં સૌથી વધુ કયા શબ્દો સર્ચ કર્યા?’, તેનું લિસ્ટ ગૂગલે જાહેર કર્યું છે.

ગૂગલ પર Stampede અને Mayday વધુ સર્ચ થયા
આ વર્ષે 12મી જૂને બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભરી અને થોડીક સેકન્ડ પછી એન્જિનમાં ખામી સર્જાતાં વિમાન બી. જે. મેડિકલ કૉલેજ હોસ્ટેલ સાથે અથડાયું અને ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં 241 મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ ‘Stampede’ અને ‘Mayday’ જેવા શબ્દો ખૂબ ચર્ચામાં આવ્યા હતા, ત્યારે યુઝર્સોએ આ વર્ષે આ બે શબ્દો ગૂગલ પર સૌથી વધુ સર્ચ કર્યા છે.

પ્રેમનો કોડ 5201314 પણ વધુ સર્ચ થયો
ગૂગલના લિસ્ટમાં Stampede અને Mayday બાદ સૌથી વધુ ટ્રેન્ડ થયેલો કોડ ‘5201314’ સામેલ છે. આ કોઈ લોટરીનો નંબર નથી, પરંતુ તે પ્રેમનો કોડ છે. જે લોકો ‘રિલેશનશિપ ટ્રેન્ડ’ અંગે જાણતા નથી, તેઓ માટે આ કોડ રહસ્યમયી છે.. વાસ્તવમાં નવી જનરેશને શોર્ટ લખવાના ચક્કરમાં શબ્દો અને વાક્યોને શોર્ટ કરી દીધા છે, જેના કારણે તેઓએ હવે પ્રેમની ભાષામાં કોડનો ઉપયોગ શરુ કરી દીધો છે. ભારતીય યુઝર્સોએ આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ ‘5201314’ સર્ચ કર્યું છે. આ કોડનો અર્થ થાય છે, ‘આઇ લવ યુ ફૉરએવર’…

ભારતમાં છવાયો 5201314 કોડ
મીડિાય રિપોર્ટ મુજબ, આ કોડ એક ચાઇનીઝ ઇન્ટરનેટ સ્લેંગ છે. આ કોડ માત્ર ચીન સુધી સીમિત હતો, જોકે સોશિયલ મીડિયાના કારણે કોડ વિશ્વભરમાં ફેલાઈ ગયો છે. ચાઇનીઝ અને કોરિયાઇ ડ્રામા, કે-પોપ અને ઇન્સ્ટા-રીલ્સે કોડને વધુ પોપ્યુલર બનાવી દીધો છે. આ જ કારણે ભારતીય યુઝર્સ પણ પ્રેમ વ્યક્ત કરવા માટે આ કોડનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં આ કોડ ભારતભરમાં છવાઈ ગયો છે.

5201314નો અર્થ
ચાઇનીઝમાં 520ને ‘વૂ યાઓ વૂ’ જેવું બોલવામાં આવે છે, જે ‘વૉ આઇ ની’ જેવું સંભળાય છે, જેનો શાબ્દિક અર્થ I Love You સંભળાય છે. જ્યારે 1314ને ચાઇનીઝમાં ‘યી શાન યી શી’ જેવું બોલાય છે. આ ઉચ્ચારણનો અર્થ ‘પૂરી જિંદગીભર’ થાય છે. આમ જ્યારે આ બંને કોડને જોડીને 5201314 બોલવામાં આવે છે, ત્યારે તેનો સંપૂર્ણ અર્થ ‘હું તને હંમેશા-હંમેશા પ્રેમ કરીશ’ થાય છે.





