
ફોલ્ડેબલ સ્માર્ટફોનનું માર્કેટ ધીમે-ધીમે વધી રહ્યું છે. આ મોબાઇલ હવે લોકોમાં પોપ્યુલર થઈ રહ્યાં છે. કિંમત વધુ હોવા છતાં હવે યુઝર્સ એને ખરીદી રહ્યાં છે. ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC) દ્વારા હાલમાં જ એક રિપોર્ટ જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર 2026માં ફોલ્ડેબલ મોબાઇલની ડિમાન્ડ ખૂબ જ વધુ જોવા મળશે. આગામી વર્ષમાં એપલ પણ તેનો પહેલો ફોલ્ડેબલ આઇફોન લોન્ચ કરી રહ્યું છે. આથી એપલની સાથે સેમસંગ પણ તેનો ટ્રાયફોલ્ડ લઈને આવી રહ્યું છે. આ સાથે જ અન્ય ફોલ્ડેબલ ફોન પણ એ રજૂ કરશે જેની યુઝર્સ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

આ રિપોર્ટ અનુસાર 2026માં 2025 કરતાં 30 ટકા વધુ ડિમાન્ડ જોવા મળશે. 2025માં ફોલ્ડેબલ ફોનનું શિપમેન્ટ 2.06 કરોડ યુનિટ્સ હતું. આથી એમાં 30 ટકાનો વધારો 2026માં જોવા મળશે. જોકે આઇફોનનો ફોલ્ડેબલ ફોન ધારવા કરતાં સસ્તો નિકળ્યો તો એની ડિમાન્ડ વધુ હોય એ સ્વાભાવિક છે.

ફોલ્ડેબલ ફોનની ડિમાન્ડમાં વધારો
સેમસંગ છેલ્લા ઘણાં વર્ષથી ફોલ્ડેબલ ફોન લોન્ચ કરતું આવ્યું છે. એની સાથે અન્ય ઘણી કંપનીઓ છે જેઓ પણ આ મોબાઇલ લોન્ચ કરી રહ્યાં છે. જોકે અત્યાર સુધી આ મોબાઇલનું માર્કેટ ખૂબ જ ધીમું હતું. 2025માં એમાં વધારો થયો હતો અને હવે 2026માં એના કરતાં વધુ ડિમાન્ડ રહેશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટ અનુસાર ઘણાં લોકોમાં એપલ અને સેમસંગના આગામી ફોલ્ડેબલ મોબાઇલને લઈને ખૂબ જ કૂતુહલ છે. આથી એ ફોન લોન્ચ થયા બાદ જ એની ડિમાન્ડનો અંદાજ લગાવી શકાશે.

સેમસંગ બહુ જલદી તેનો પહેલો ટ્રાયફોલ્ડ માર્કેટમાં લોન્ચ કરશે. એપલ દ્વારા હજી ફોલ્ડેબલ આઇફોન લોન્ચ કરવામાં નથી આવ્યો ત્યારે સેમસંગ ટ્રાયફોલ્ડ સુધી પહોંચી ગયું છે. આ બન્ને કંપની તેમના આગામી મોબાઇલને પ્રીમિયમ સેગમેન્ટમાં લોન્ચ કરશે. આથી એની કિંમત બે લાખ રૂપિયાની આસપાસ હોય એ સ્વાભાવિક છે. કંપની માટે ફોલ્ડેબલ ફોન હવે કમાણીનું નવું સાધન બની ગયું છે.

IDCના રિપોર્ટ મુજબ 2029 સુધીમાં દુનિયામાં જેટલા પણ સ્માર્ટફોન છે એમાં દસ ટકા સ્માર્ટફોન ફોલ્ડેબલ હશે. આ માર્કેટ ધીમે-ધીમે વધી રહ્યું છે અને એના ઉપયોગ કરનારા પણ વધી રહ્યાં છે. 2026થી આ મોબાઇલના વેચાણમાં ખૂબ જ વધારો જોવા મળશે.

સેમસંગ અને એપલ પર સૌની નજર
ફોલ્ડેબલ ફોનના વેચાણ વધવામાં સેમસંગ અને એપલનો સૌથી મોટો હાથ હોવાની સંભાવના છે. એપલ તેનો પહેલો ફોલ્ડેબલ આઇફોન નવા વર્ષમાં લોન્ચ કરી રહ્યું છે. સેમસંગ પણ તેનો પહેલો ટ્રાયફોલ્ડ આગામી વર્ષમાં લોન્ચ કરી રહ્યું છે. આથી ફોલ્ડેબલ ફોન માટે આગામી વર્ષ ખૂબ જ મહત્વનું છે. સેમસંગ માર્ચ સુધીમાં તેનો ટ્રાયફોલ્ડ મોબાઇલ લોન્ચ કરી શકે છે. જોકે એપલ તેમના આઇફોનને સપ્ટેમ્બરમાં લોન્ચ કરવા માટે જાણીતું છે.

ચીનના માર્કેટમાં Huaweiના ફોલ્ડેબલ મોબાઇલ પણ ખૂબ જ સારું પરફોર્મ કરી રહ્યાં છે. Huawei દ્વારા પણ ત્રણ સ્ક્રીન વાળો ફોલ્ડેબલ મોબાઇલ લોન્ચ કરવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં એન્ડ્રોઇડની જગ્યાએ HarmonyOS Nextનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેટલાક એક્સપર્ટનું માનવું છે કે એપલ ફોલ્ડેબલ આઇફોન લોન્ચ કરતાં જ આ માર્કેટમાં 22 ટકા હિસ્સેદારી પોતાના નામે કરી શકે છે.

શું હશે કિંમત?
સેમસંગ દ્વારા તેના ટ્રાયફોલ્ડ ફોનની કિંમત અઢી લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. સેમસંગ દ્વારા આ મોબાઇલનું ખૂબ જ લિમિટેડ પ્રોડક્શન કરવામાં આવશે. તેઓ એને પ્રીમિયમ મોબાઇલ કહી રહ્યાં છે અને એથી જ એ દરેક લોકો માટે નથી અને ફક્ત પ્રીમિયમ યુઝર્સ એનો ઉપયોગ કરે એ માટે એની કિંમત પણ એટલી જ રાખવામાં આવશે એવી ચર્ચા છે. એપલનો ફોલ્ડેબલ આઇફોન પણ 2400 અમેરિકન ડોલરની આસપાસ હોઈ શકે છે. એટલે કે ભારતમાં એની કિંમત 2,19,900 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. એપલ પણ તેના ફોલ્ડેબલ મોબાઇલનું પ્રોડક્શન ઓછું રાખશે. ફોલ્ડેબલ મોબાઇલની કિંમત સામાન્ય મોબાઇલ કરતાં ત્રણ ઘણી વધારે હોય છે.








