
ઉત્તરાખંડના પ્રસિદ્ધ તીર્થ કેદારનાથ મંદિરના કપાટ 22 એપ્રિલે ખોલવામાં આવશે. તેની સત્તાવાર જાહેરાત માહેશ્વર મંદિરમાં વિધિ-વિધાન સાથે કરવામાં આવી છે. જાહેરાત બાદ જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર સમિતિ મુજબ 22 એપ્રિલ બુધવારે સવારે 8 વાગ્યે મંદિરના કપાટ ખુલશે અને તેની સાથે જ 6 મહિના સુધી ચાલનારી કેદારનાથ યાત્રાની શરૂઆત થશે.

મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન થયું શરૂ
તમને જણાવી દઈએ કે આ વર્ષે ટી ગંગાધર લિંગને બાબા કેદારનાથ ધામમાં મુખ્ય પૂજારીની જવાબદારી સોંપવામાં આવી છે. પરંપરા મુજબ પૂજા-અર્ચના દક્ષિણ ભારતના રાવલ પૂજારીઓ દ્વારા જ કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ હવે બાબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. કેદારનાથ ધામના કપાટ ખુલ્યાના એક દિવસ બાદ બદ્રીનાથ મંદિરના દ્વાર 23 એપ્રિલે બ્રહ્મમુહૂર્તમાં સવારે 6.15 વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. જેની જાહેરાત વસંત પંચમીના દિવસે કરવામાં આવી હતી.

ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ક્યારે ખુલશે?
ત્યારે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ અક્ષય તૃતીયાના દિવસે 19 એપ્રિલે વિધિ-વિધાનની સાથે ખોલવામાં આવશે. જો કે આ બંને ધામોના સટીક શુભ મુહૂર્તની જાણકારી મંદિર સમિતિ દ્વારા આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. જેની રાહ શ્રદ્ધાળુઓ જોઈ રહ્યા છે. ચારધામ યાત્રાને લઈને સરકાર અને સ્થાનિક તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રસ્તાનું સમારકામ, સુરક્ષા વ્યવસ્થા અને રજિસ્ટ્રેશન વ્યવસ્થાનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હોટલ અને ધર્મશાળાઓમાં પણ એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા પર આવે છે. આ વખતે પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ પહોંચે તેવી આશા છે.
















