હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ ખાબક્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં કચ્છના માંડવીમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતના 13 જિલ્લામાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 13 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ-યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 4થી5 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 જુલાઈ બાદ ફરી એકવાર ચોમાસું સક્રિય થવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારેની શક્યતા છે.કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે.રાજ્યની મોટી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ શકે છે.



























