24 કલાકમાં દેશમાંથી બહાર નીકળી જાઓ,” સાઉદી અરબે ઈરાનના અધિકારીઓને આપ્યો કડક આદેશ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સાઉદી અરબ અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. સાઉદી અરબે ઈરાનના સૈન્ય અધિકારીઓ અને તેમના સ્ટાફને દેશ છોડવાનો કડક આદેશ આપી દીધો છે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સાઉદી અરબ અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. સાઉદી અરબે ઈરાનના સૈન્ય અધિકારીઓ અને તેમના સ્ટાફને દેશ છોડવાનો કડક આદેશ આપી દીધો છે.

સાઉદી અરબે તેમને ‘પર્સોના નોન ગ્રાટા (Persona non grata)’ જાહેર કરીને 24 કલાકની અંદર દેશ છોડવાનો કડક આદેશ આપ્યો છે. સાઉદી વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને ઈરાન પર સતત હુમલાનો આરોપ લગાવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલા માત્ર સાઉદી અરબ જ નહીં, પરંતુ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના અન્ય દેશો તેમજ અનેક અરબ અને ઈસ્લામિક દેશોને પણ નિશાન બનાવી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, સાઉદી પ્રેસ એજન્સી (SPA) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં મંત્રાલયે ભાર મૂક્યો છે કે સાઉદી અરબની સાર્વભૌમત્વ, નાગરિક સ્થળો, નાગરિકો, આર્થિક હિતો અને રાજદ્વારી પરિસરોને સતત નિશાન બનાવવા એ વૈશ્વિક કાનૂની ધોરણોનું ગંભીર ઉલ્લંઘન છે.

ગલ્ફ ન્યૂઝ અનુસાર, સાઉદી અરબ આ કાર્યવાહીઓને તમામ સંબંધિત આંતરરાષ્ટ્રીય સંધિઓનું ઘોર ઉલ્લંઘન અને સારા પડોશી હોવાના સિદ્ધાંતોની વિરુદ્ધ માને છે. સાઉદી અધિકારીઓએ વધુમાં ભાર મૂકીને કહ્યું છે કે ઈરાનની સૈન્ય પ્રવૃત્તિઓ સીધી રીતે બેઈજિંગ સમજૂતી અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ 2817 (2026)નું ઉલ્લંઘન કરે છે.

24 કલાકમાં દેશ છોડવાનો આદેશ
સ્થિતિની ગંભીરતાને જોતાં સાઉદી અરબે ઈરાની દૂતાવાસના સૈન્ય અધિકારીઓ તેમના સહાયક સૈન્ય અધિકારીઓ અને ત્રણ અન્ય અધિકારીઓને ‘પર્સોના નોન ગ્રાટા’ જાહેર કર્યા છે. આ તમામને 24 કલાકની અંદર દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે. આ પગલું 9 માર્ચ 2026ની ચેતવણી પછી લેવામાં આવ્યું છે, જેમાં સાઉદી અરબે સંબંધો પર ગંભીર અસર પડવાની વાત કરી હતી.

સુરક્ષા માટે તમામ પગલા ભરીશું’
સાઉદી અરબે સ્પષ્ટ કહ્યું છે કે તે પોતાની સુરક્ષા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે જરૂરી તમામ પગલાં ઉઠાવશે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની કલમ 51નો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે દેશ પોતાના રક્ષણના અધિકારનો પૂરો ઉપયોગ કરશે.

error: Content is protected !!