જૂના સોનાની સામે આધુનિક ડિઝાઈન-ઝવેરાત પસંદ કરી રહ્યા છે !!

આ લગ્નની સીઝનમાં સોનાનાં ભાવ આસમાને પહોંચી રહ્યાં છે, પરંતુ ભારતીયો ઓછાથી વધુ કરવાનાં રસ્તાઓ શોધી રહ્યાં છે. ઘણાં લોકો હવે જૂના સોનાને એક્સચેન્જ કરી નવા સોનું ખરીદી રહ્યાં છે, જેનાં કારણે મોંઘા સોનાનો બોજ થોડો હળવો થઈ જાય છે.

જોય અલુક્કાસ ગ્રુપના ચેરમેન અને એમડી જોય અલુક્કાસે જણાવ્યું હતું કે, “ઘણાં ગ્રાહકો ઊંચા ભાવની ભરપાઈ કરવા માટે જૂના સોનાને એક્સચેન્જ કરી રહ્યાં છે, જ્યારે કેટલાક ખર્ચને પહોંચી વળવા માટે હપ્તામાં ખરીદી કરી રહ્યાં છે. જૂના સોનાને બદલવા પર બચતની માત્રા તેની શુદ્ધતા, વજન અને વર્તમાન બજાર મૂલ્ય પર આધારિત છે.

સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના માર્કેટિંગ હેડ જ્યોતિ સેને જણાવ્યું હતું કે ઘણાં લગ્નનાં ખરીદદારો તેમનાં જૂના ઝવેરાતને નવી, વધુ સારી ડિઝાઇન અને વધુ શુદ્ધ ઝવેરાત સાથે બદલી રહ્યાં છે. કંપની હાલમાં જૂના સોના પર 100 ટકા વેલ્યુ એક્સચેન્જ ઓફર આપી રહી છે.

ભૌગોલિક રાજકીય તણાવને કારણે રોકાણકારો પણ સોનાને સલામત વિકલ્પ તરીકે અપનાવી રહ્યાં છે, જેનાં કારણે આ અઠવાડિયે સ્થાનિક બજારમાં તેની કિંમત 10 ગ્રામ દીઠ 1.3 લાખ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે.

ટાટાની તનિષ્ક કંપનીની એક્સચેન્જ ઓફરને પણ જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.ટાઇટનના જ્વેલરી ડિવિઝનના સીઈઓ અજય ચૌલાએ જણાવ્યું હતું કે, “અમે ગ્રાહકોને સુવિધા આપી રહ્યાં છીએ કે ગમે તે કેરેટમાં સોનું હોય, અમે કોઈ કપાત નહીં લઈએ. ગયા વર્ષે જેફરીઝના એક અહેવાલ મુજબ, ભારતમાં દર વર્ષે લગ્ન પર લગભગ 130 અબજ ડોલરનો ખર્ચ થાય છે, જેમાંથી સૌથી મોટો હિસ્સો એકલા જ્વેલરી પર 35-40 અબજ ડોલર છે.

કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રમેશ કલ્યાણરામને જણાવ્યું હતું કે, “લોકો હવે એવી ડિઝાઇનને પસંદ કરી રહ્યાં છે જે ભારે દેખાય છે પરંતુ વાસ્તવમાં ઓછાં સોનાની બનેલી હોય છે, એટલે કે ઓછા વજન સાથે વધુ સારો દેખાવ છે.

આજકાલ, ઘણી નવવધૂઓ પરંપરાગત સોના અને હીરાના દાગીનાને બદલે આધુનિક ડિઝાઇન ઝવેરાત પસંદ કરી રહી છે, અને આનું એક મુખ્ય કારણ ઊંચા ભાવ છે. ભારતમાં લગ્નનો બીજો તબક્કો નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે.
























