HomeAllઆચારસંહિતાનો અમલ: મનપા, જિલ્લા, તા.પંચાયતોની ચૂંટણી માટે નોડેલ અધિકારીઓ સાથે કલેક્ટરની મીટીંગ

આચારસંહિતાનો અમલ: મનપા, જિલ્લા, તા.પંચાયતોની ચૂંટણી માટે નોડેલ અધિકારીઓ સાથે કલેક્ટરની મીટીંગ

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-2026નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણી માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થતા જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ અમલી બન્યો છે.

રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અનુસાર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. 11, ઉમેદવારી પત્રોની ચકાસણી તા. 13, ઉમેદવારી પત્રો ખેંચવાની છેલ્લી તા. 15, મતદાનની તા. 26 અને મતગણતરીની તા. 28 જાહેર કરવામાં આવેલ છે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા. 30 નિર્ધારિત કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા કડક સૂચનાઓ બહાર આપવામાં આવી છે.

મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકોનું સુચારુ આયોજન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર જિલ્લામાં કુલ 861 મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે.

આંકડાકીય વિગતો મુજબ, મોરબી (ગ્રામ્ય/શહેર) તાલુકામાં સૌથી વધુ 358 મતદાન મથકો (જેમાં 153 પંચાયત અને 205 મહાનગરપાલિકાના મથકોનો સમાવેશ થાય છે) છે. આ ઉપરાંત, વાંકાનેર તાલુકામાં 197, હળવદમાં 132, ટંકારામાં 86 અને માળીયા (મીં) તાલુકામાં 78 મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સમગ્ર જિલ્લામાં પંચાયતો માટે 605, નગરપાલિકાઓ માટે 51 અને મહાનગરપાલિકા માટે 205 મતદાન મથકો માટે ચૂંટણી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. કલેક્ટરએ મોરબીના તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવા અને આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.

તંત્ર સજ્જ
મોરબી જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે 21 ચૂંટણી અધિકારીઓ અને અન્ય મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે એક વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા ક્ષતિરહિત અને સુચારૂ રીતે સંપન્ન થાય તે હેતુથી આ તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયાના વિવિધ પાસાઓ જેવા કે ઉમેદવારી પત્રો ભરવાની પદ્ધતિ, ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પત્રો ખેંચવાની પ્રક્રિયા અંગે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, ટેકનિકલ પાસાઓ પર ભાર મૂકતા ઊટખ ના કાર્યકારી સંચાલન તેમજ મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે જરૂરી કાયદાકીય જોગવાઈઓની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વરિષ્ઠ અધિકારીઓએ ચૂંટણીમાં પાયાના સ્તરે કામગીરી કરતા RO-ARO ની ભૂમિકા અત્યંત નિર્ણાયક ગણાવી અધિકારીઓની મુંઝવણો અને પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. આ તાલીમમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ મોરબી, ટંકારા, માળીયા, વાંકાનેર અને હળવદ તાલુકા પંચાયતના નિયુક્ત અધિકારીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ટંકારા, માળીયા અને વાંકાનેર નગરપાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમીક્ષા બેઠક યોજાઇ
સામાન્ય ચૂંટણીઓના સુચારૂ સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન કલેક્ટરએ વિવિધ નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીની વર્તમાન સ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

તેમણે ખાસ કરીને મેનપાવર મેનેજમેન્ટ, ચૂંટણી સ્ટાફની તાલીમ, ઇવીએમ વ્યવસ્થાપન અને મતદાન મથકો પરની પ્રાથમિક સુવિધાઓ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. અને કલેક્ટરએ દરેક નોડલ અધિકારીને તેમના વિભાગ હસ્તકની જવાબદારીઓ અનુસાર કામગીરી કરવા જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, વિવિધ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments