
ગુજરાત સહિત વિશ્વભરમાં આજથી ૨૧ ઓગસ્ટ સુધી “ડેલ્ટા-એકવેરીડ્સ” ઉલ્કા વર્ષાની ખાસ અવકાશી ઘટના જોવા મળશે. ખાસ કરીને જુલાઈના ૨૯, ૩૦ અને ૩૧ના રોજ કલાકે ૧૫ થી ૨૦ ઉલ્કાઓ પડતી જોવા મળશે, જ્યારે વિદેશમાં આ સંખ્યા કલાકે ૫૦ સુધી જઈ શકે છે.

મધ્યરાત્રિથી વહેલી પરોઢ સુધી સ્વચ્છ આકાશમાં નરી આંખે ઉલ્કા વર્ષાનો નજારો જોઈ શકાય છે. ભારતમાં ‘વિજ્ઞાન જાથા’ દ્વારા લોકોને આ ઉલ્કા વર્ષા નિહાળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. વરસાદી વાતાવરણ અવરોધરૂપ બની શકે છે, તેથી ખુલ્લી અને નિર્જન જગ્યા પસંદ કરવી યોગ્ય રહેશે.

વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે ખગોળપ્રેમીઓ દૂરબીન (૧૦x૫૦) વડે કે કેમેરાથી દ્રશ્યો કેદ કરી શકે છે. આ ઉલ્કા વર્ષા ધૂમકેતુઓના અવશેષ પદાર્થો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સળગી ઉઠતા થતાં જોવા મળે છે, જેને મેટિયોર્સ અથવા ફાયરબોલ તરીકે ઓળખાય છે.

ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ અવકાશી ઘટના માટે અવલોકન અભિયાન શરૂ કરાયું છે. વધુ માહિતી માટે સંપર્ક: ૯૮૫૨૧ ૬૬૮૯.– વિજ્ઞાન જાથા, ગુજરાત

























