અમેરિકાના સ્ટાન ફોર્ડ યુનિનાં વૈજ્ઞાનિકોએ પ્રાઈમા નામનું એક ખાસ ઉપકરણ બનાવ્યુ જે આંખની રેટિના પર લાગશે અને થોડી દ્રષ્ટિ આપવામાં મદદ કરશે

આંખોમાં નાનકડો ઈમ્પ્લાન્ટ અને હાઈ-ટેક ચશ્માં હવે એવી વ્યક્તિઓને ફરી વાંચવામાં મદદ કરશે, જેઓ ગંભીર રીતે દ્રષ્ટિ ગુમાવી ચૂક્યાં છે. અમેરિકાનાં સ્ટાનફોર્ડ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ PRIMA નામનું એક ખાસ ઉપકરણ બનાવ્યું છે, જે આંખની રેટિના પર લાગશે અને થોડી દ્રષ્ટિ ફરીથી અપાવવા મદદ કરશે.

વધુ વયનાં લોકોમાં જોવા મળતી એજ-રિલેટેડ મેક્યુલર ડિજનરેશન (AMD) નામની આંખની બીમારીમાં રેટિના વચ્ચેનાં પ્રકાશ સંવેદક કોષો ધીમે ધીમે નબળાં થઈ જાય છે. તેનું ચોક્કસ કારણ જાણીતું નથી, પરંતુ આ બીમારીમાં વ્યક્તિનો મધ્ય ભાગની નજર ઓછી થઈ જાય છે એટલે વાંચવામાં અથવા ચહેરા ઓળખવામાં મુશ્કેલી પડે છે. દવાઓથી તેનો સંપૂર્ણ ઉપચાર થઈ શકતો નથી.

AMDની ગંભીર સ્થિતિ જિયોગ્રાફિક એટ્રોફીમાં થોડું પરિફેરલ વિઝન રહે છે અને કેટલાક રેટિના ન્યુરોન્સ કામ કરતાં રહે છે. આ જ ક્ષમતા ઉપયોગમાં લઈને PRIMA ઉપકરણ બનાવાયું છે. આ ઉપકરણમાં ચશ્માં પર લગાડેલા નાના કેમેરા આસપાસનું દૃશ્ય પકડી લે છે અને તેને ઇન્ફ્રારેડ લાઇટ મારફતે આંખનાં પાછળનાં ભાગમાં મૂકાયેલા 2×2મીમીના નાના વાયરલેસ ચિપ સુધી મોકલે છે. આ ચિપ સોલાર પાવરથી ચાલે છે અને પ્રાપ્ત થયેલી માહિતી ઇલેક્ટ્રિકલ સગ્નલમાં ફેરવી મગજ સુધી પહોંચાડે છે. ઇન્ફ્રારેડ પ્રકાશ માનવીને દેખાતો નથી, એટલે રહેલી કુદરતી દ્રષ્ટિમાં કોઈ ખલેલ પડતો નથી.

આ ઉપકરણની અસર જોવા માટે 60 વર્ષ કે તેથી વધુ વયનાં 32 લોકો પર પરીક્ષણ થયું. સૌની દ્રષ્ટિ 20/320 કરતાં ખરાબ હતી, એટલે તેઓને સામાન્ય વ્યક્તિ 320 ફૂટે જે જોઈ શકે તે માત્ર 20 ફૂટ દુર જ જોઈ શકતાં હતાં. તેમની એક આંખમાં આ ચિપ ઇમ્પ્લાન્ટ કરી, ચારથી પાંચ અઠવાડિયા પછી તેમને સ્પેશિયલ ચશ્માં પહેરાવ્યાં. આ ચશ્મામાં દૃશ્ય 12 ગણું મોટું કરવું, બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટ બદલી શકવાની સગવડ હતી.

એક વર્ષ પછી જોવા મળ્યું કે 32માંથી 27 લોકો ફરી વાંચી શકતાં હતાં. તેઓ આકારો અને પેટર્ન પણ સ્પષ્ટ ઓળખી શકતાં હતાં. આંખનાં ટેસ્ટ ચાર્ટ પર પહેલાં કરતાં સરેરાશ પાંચ લીટી વધુ જોઈ શકતાં હતાં. કેટલાક તો 20/42 જેટલી સુધારેલી દ્રષ્ટિ સાથે વાંચી શકતાં હતાં. એક દર્દીએ ભાવુક થઈને કહ્યું કે મને લાગતું હતું હું ફરી ક્યારેય નહીં જોઈ શકું, પરંતુ મને નવી દ્વષ્ટિ મળી છે.

PRIMA એ પ્રથમ એવું આંખનું પ્રોસ્ટેથિસિસ ઉપકરણ છે જેણે આ બીમારી ધરાવતાં લોકોમાં દ્રષ્ટિ પરત આપી છે. લગભગ બે તૃતીયાંશ લોકોમાં ઇમ્પ્લાન્ટ પછી થોડા સમય માટે નાના સાઇડ ઈફેક્ટ્સ થયા, પરંતુ દ્રષ્ટિ સુધારામાં તે કોઈ અવરોધ નહોતો. હાલમાં મળતું વિઝન કાળુ-સફેદ છે, પરંતુ આગામી તબક્કામાં વૈજ્ઞાનિકો ગ્રે શેડ્સ ઉમેરવાનો અને ચહેરા ઓળખી શકવાની ક્ષમતા વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ સંશોધનથી દ્રષ્ટિ ગુમાવનારાઓ માટે નવી આશાની કિરણ પ્રગટી છે. વિજ્ઞાનમાં કલ્પના જેવી લાગતી ટેકનોલોજી હવે હકીકત બનવા લાગી છે.


