
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યની બદલાતી જન સાંખ્યિકીને લઈને એક ગંભીર ચેતવણી આપી છે. શનિવારે (27 ડિસેમ્બર) ભાજપની રાજ્ય કાર્યકારિણીની બેઠક દરમિયાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, જો રાજ્યમાં બાંગ્લાદેશી મૂળના લોકોની વસ્તી 50 ટકાનો આંકડો પાર કરી જશે તો આસામને બાંગ્લાદેશનો ભાગ બનાવવાના પ્રયાસ શરૂ થઈ શકે છે.

તેમણે આ સ્થિતિને આસામની અસ્મિતા અને સંસ્કૃતિ માટે એક મોટો ખતરો ગણાવી.મુખ્યમંત્રી સરમાએ આંકડાનો હવાલો આપતા કહ્યું કે, ‘હાલમાં બાંગ્લાદેશી મૂળના લોકોની વસ્તી 40 ટકાને પાર કરી ચૂકી છે અને આ સતત વધી રહી છે. આજે આપણે પોતાની આંખોથી આ વાસ્તવિકતાને જોઈ રહ્યા છીએ. જો આ વસ્તી 50 ટકાથી વધુ થઈ જશે, તો આસામના અસ્તિત્વ પર સંકટ આવી જશે.’

બાંગ્લાદેશમાં હાલમાં જ થયેલી દીપુ દાસની મોબ લિંચિંગનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ આસામના લોકોને અપીલ કરી. તેમણે કહ્યું કે, ‘જો આજે આવી ઘટનાઓ થઈ રહી છે, તો આસામના લોકો કલ્પના કરી શકે છે કે આગામી 20 વર્ષમાં અહીંની સ્થિતિ શું થશે. પછી જો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યુદ્ધ થશે તો તેઓ કોનો સાથ આપશે?’

આગામી વિધાનસભા ચૂંટણીને મુખ્યમંત્રીએ એક માત્ર રાજકીય મુકાબલો નહીં પરંતુ ‘સભ્યતાની લડાઈ’ ગણાવી. તેમણે કોંગ્રેસ પર દાયકાઓ સુધી તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો, જેના કારણે રાજ્યમાં એક નવી સભ્યતા વિકસિત થઈ ગઈ છે. તેની સંખ્યા હવે લગભગ 1.5 કરોડ સુધી પહોંચી ચૂકી છે.

સરમાએ કહ્યું કે, ‘આ લડાઈ ભૂમિ, ઓળખ અને આધારને બચાવવાની છે. પાર્ટી રાજ્યને ઘૂસણખોરોના કારણે પેદા થનારા અંધારામાં જતા બચાવશે.’મુખ્યમંત્રીએ વસતી ગણતરીના જૂના આંકડા અને ભવિષ્યના અંદાજને શેર કરતા જણાવ્યું કે, ‘2011માં મુસ્લિમોની વસ્તી 34 ટકા હતી, જેમાં બાંગ્લાદેશી મૂળના મુસ્લિમ 31 ટકા અને સ્થાનિક મુસ્લિમ માત્ર 3 ટકા હતા. 2027 સુધી આ સંખ્યા વધીને 40 ટકા થવાનો અંદાજ છે.

સ્વદેશી વસતી ઘટીને 60 ટકા થઈ ગઈ અને તેમાં હજુ ઘટાડાની સંભાવના છે.’તેમણે ભાવુક થતા કહ્યું કે, ‘જીવનકાળમાં ઘૂસણખોરોની વસ્તી 21 ટકા થી વધીને 40 ટકા થઈ ગઈ અને તેમના બાળકોના સમય સુધીમાં અસમિયા સમુદાયની વસ્તી ઘટીને માત્ર 30 ટકા રહી શકે છે.

‘સાંસ્કૃતિ ઓળખ પર આકરું વલણમુખ્યમંત્રીએ આસામને શંકર-અઝાન (વૈષ્ણવ સંત શંકર દેવ અને સૂફી સંત અઝાન ફકીર)ની ધરતી ગણાવાતી ધારણાને ફગાવી દીધી. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે, ‘આસામ માત્ર શંકર-માધવ (શંકરદેવ અને તેમના શિષ્ય માધવ દેવ)ની ભૂમિ છે. આઝાન ફકીર સાથે મહાપુરુષોની સરખામણી કરીને આપણી સાંસ્કૃતિક ઓળખને નબળી કરવાનો પ્રયાસ સહન નહીં કરવામાં આવે.’

પોતાના સંબોધનના અંતમાં તેમણે અહોમ સેનાપતિ લાચિત બોરફુકનનું સ્મરણ કર્યું, જેમણે બીમાર હોવા છતાં મોગલોને હરાવ્યા હતા. મુખ્યમંત્રીએ સંકલ્પ લેતા કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં આપણે પોતાની ઓળખ અને સંસ્કૃતિને બચાવવા માટે સતત લડીશું અને જીત હાંસલ કરીશું.’









