
અમેરિકા બાદ ભારત હવે વિશ્વમાં રોકાણ માટેનું બીજું સૌથી લોકપ્રિય સ્થળ બની ગયું છે. PwC દ્વારા વૈશ્વિક CEO પર કરવામાં આવેલા સર્વે અનુસાર, ભારત, યુકે અને જર્મની સાથે મળીને રોકાણકારોની પસંદગીમાં બીજા ક્રમે આવ્યું છે. આ સર્વે મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો.

સર્વે મુજબ 2026 માટે લગભગ 13 ટકા વૈશ્વિક CEO એ ભારતને રોકાણ માટે પસંદગીનું સ્થળ ગણાવ્યું છે, જ્યારે 2025માં આ આંકડો માત્ર 7 ટકા હતો. તે જ સમયે 35 ટકા CEO એ અમેરિકાને પ્રથમ પસંદગી તરીકે દર્શાવ્યું છે. આ અહેવાલ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના દાવોસ સંમેલન દરમિયાન જાહેર કરવામાં આવ્યો હતો.

PwCના સર્વેમાં જણાવાયું છે કે, સરકારી સુધારાઓ ભારતના રોકાણ વાતાવરણને મજબૂત બનાવી રહ્યા છે. GST દ્વારા રાષ્ટ્રીય બજારનું એકીકરણ, તેમજ ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના (PLI) જેવી નીતિઓએ ઉદ્યોગો અને રોકાણકારોમાં વિશ્વાસ વધાર્યો છે.

ટેરિફ છતાં ભારતના CEO આશાવાદી
સર્વેમાં એક મહત્વની વાત સામે આવી છે કે, માત્ર 11 ટકા ભારતીય CEO એ ટેરિફને વૃદ્ધિ માટે મોટો ખતરો ગણાવ્યો છે, જ્યારે ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારતીય નિકાસ પર વધારાના 50 ટકા ટેરિફ લાગું કરવામાં આવ્યાં છે. હાલ ભારતની અંદાજે 40 ટકા નિકાસ – જેમાં ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર સામેલ છે – ટેરિફના દાયરાથી બહાર છે.

જો કે, ટેક્સટાઇલ, લેધર અને શ્રિમ્પ્સ જેવા ક્ષેત્રોને થોડી અસર થઈ છે. આવી સ્થિતિમાં કંપનીઓ હવે પોતાના ઉત્પાદનો માટે નવા આંતરરાષ્ટ્રીય બજારો શોધી રહી છે, તેમજ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

દેશી બજારમાં મજબૂત વૃદ્ધિની અપેક્ષા
PwCના સર્વે મુજબ ભારતના 77 ટકા CEO દેશી બજારમાં મજબૂત વૃદ્ધિની અપેક્ષા રાખે છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ આંકડો માત્ર 55 ટકા છે. ઉપરાંત, 57 ટકા ભારતીય CEOને પોતાની કંપનીનાં નજીકનાં સમયગાળામાં આવક વધવાની ઊંચી ખાતરી છે, જે વૈશ્વિક CEOની સરખામણીએ લગભગ બે ગણું છે.

AI થી નોકરીઓ પર અસરની ચેતવણી
સર્વેમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગને કારણે આગામી ત્રણ વર્ષમાં જુનિયર લેવલની નોકરીઓમાં ઘટાડો થઈ શકે છે. ભારતનાં 54 ટકા CEO અને વૈશ્વિક સ્તરે 49 ટકા CEO એ આવું અનુમાન વ્યક્ત કર્યું છે.

નવીનતા અને ડાયવર્સિફિકેશન તરફ ભારતીય કંપનીઓ
ભારતીય કંપનીઓમાં નવીનતા આધારિત ડાયવર્સિફિકેશન ઝડપ પકડી રહ્યું છે. સર્વે મુજબ 57 ટકા CEO એ જણાવ્યું કે તેમની કંપનીઓ છેલ્લા પાંચ વર્ષમાં ઓછામાં ઓછા એક નવા ક્ષેત્રમાં પ્રવેશ કરી ચૂકી છે. વૃદ્ધિ માટેના જોખમોની વાત કરીએ તો, 30 ટકા CEO એ મેક્રોએકોનોમિક અસ્થિરતાને સૌથી મોટો જોખમ ગણાવ્યો છે, જ્યારે 23 ટકા CEO એ સાયબર સુરક્ષાને ગંભીર ચિંતા તરીકે ઉલ્લેખ કરી છે.

વૈશ્વિક રોકાણમાં ભારતની મજબૂત સ્થિતિ
આ સર્વે સ્પષ્ટ કરે છે કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને ભૂ-રાજનીતિક પડકારો છતાં ભારતની સ્થિતિ એક મજબૂત અને વિશ્વસનીય રોકાણ સ્થળ તરીકે ઉભરી રહી છે. સરકારના સુધારા, વિશાળ બજાર, ટેકનોલોજી આધારિત વૃદ્ધિ અને CEO નો વધતો વિશ્વાસ ભારતને આગામી વર્ષોમાં વૈશ્વિક રોકાણનું કેન્દ્ર બનાવવાની દિશામાં આગળ ધપાવી રહ્યો છે.








