
ભારત અને અમેરિકાના સંબંધ હાલમાં ઘણાં ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યા છે. આ સંબંધનું પરિણામ શું આવશે એ કોઈને નથી ખબર, પરંતુ એ તમામની વચ્ચે એક ભારતીય કંપની દ્વારા અમેરિકામાં લાઇ-ફાઇ ઇન્ટરનેટ શરુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી વાઇ-ફાઇ વિશે ખબર હતી, પરંતુ આ લાઇ-ફાઇ શું છે એ તમામને સવાલ થતો હશે. ગુજરાતની Nav વાયરલેસ ટૅક્નોલૉજીના કહ્યા અનુસાર તેમણે Jesco Ventures Lab સાથે મળીને અમેરિકાના ન્યૂયોર્કમાં પહેલું કમર્શિયલ લાઇ-ફાઇ ઇન્ટરનેટ સિસ્ટમ લગાવી છે. જોકે આ વાઇ-ફાઇથી અલગ કેવી રીતે છે? તેમજ એનાથી શું ફાયદો થાય છે એ વિશે જોઈએ.

શું છે લાઇ-ફાઇ ઇન્ટરનેટ?
આ સામાન્ય વાઇ-ફાઇ ઇન્ટરનેટથી એકદમ અલગ ટૅક્નોલૉજી છે. વાઇ-ફાઇ ઇન્ટરનેટમાં રેડિયો ફ્રિક્વન્સીનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ લાઇ-ફાઇમાં પ્રકાશ એટલે કે લાઇટનો ઉપયોગ કરી ઇન્ટરનેટને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. આ લાઇટ એટલે સૂર્યપ્રકાશ નહીં, પરંતુ વીજળી છે. સરળ ભાષામાં કહેવામાં આવે તો વાઇ-ફાઇ અને લાઇ-ફાઇ બન્ને ટૅક્નોલૉજી વચ્ચે ડેટા કેવી રીતે ટ્રાન્સફર કરવામાં આવે છે એનો તફાવત છે. લાઇ-ફાઇમાં વધુ સ્પીડ સાથે ડેટા ટ્રાન્સમિટ થાય છે. તેમજ આ ટૅક્નોલૉજી ખૂબ જ સુરક્ષિત પણ માનવામાં આવે છે.

લાઇ-ફાઇ ઇન્ટરનેટ અને વાઇ-ફાઇ ઇન્ટરનેટની રેન્જ શું છે?
લાઇ-ફાઇ ઇન્ટરનેટની રેન્જ ખૂબ જ ઓછી હોય છે. એક રિપોર્ટ અનુસાર આ ટૅક્નોલૉજીમાં LED લાઇટ અથવા તો અન્ય લાઇટ દ્વારા ઇન્ટરનેટ ટ્રાન્સમિટ કરવામાં આવે છે. એનો દાયરો ચોક્કસ હોય છે. પ્રકાશ જ્યાં સુધી દેખાશે ત્યાં સુધી એની રેન્જ આવશે. એક લાઇટ દ્વારા બીજી લાઇટ પર ડેટા ટ્રાન્સમિટ કરવામાં આવે છે. બીજી તરફ વાઇ-ફાઇ ખૂબ જ મોટા એરિયાને કવર કરી શકે છે. જો એક રૂમમાંથી લાઇટ બીજા રૂમમાં ન જતી હોય તો આ ઇન્ટરનેટ નહીં પકડાય, પરંતુ વાઇ-ફાઇમાં સરળતાથી એ પકડી શકાય છે.

અમેરિકામાં ક્યાં લગાવવામાં આવ્યું લાઇ-ફાઇ?
આ પહેલાં લાઇ-ફાઇને અમેરિકાના ન્યુયોર્કમાં આવેલી સિલિકોન હાર્લેમ ઑફિસમાં લગાવવામાં આવ્યો છે. Nav વાયરલેસ ટૅક્નોલૉજીના કો-ફાઉન્ડર હાર્દિક સોનીનું કહેવું છે કે અમેરિકામાં આ ટૅક્નોલૉજીને લોન્ચ કરવી એ ભારત માટે ગર્વની વાત છે. તેનું માનવું છે કે આ ભારતીય ટૅક્નોલૉજી ડિજિટલ ભવિષ્યને બદલી શકે છે. આ કંપની પાસે લાઇ-ફાઇનું પેટન્ટ છે અને તે અમેરિકાની એક કંપની સાથે પાર્ટનરશિપ કરીને અમેરિકામાં આ ટૅક્નોલૉજીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માગે છે.

કોના માટે આ ટૅક્નોલૉજી શ્રેષ્ઠ છે?
આ ટૅક્નોલૉજીનો કેટલા પ્રમાણમાં ઉપયોગ થાય એના પર એની સફળતા રહેલી છે. આ ટૅક્નોલૉજી સરકારી એજન્સી, હૉસ્પિટલ, યુનિવર્સિટી અને ઍરપોર્ટ તેમજ રિસ્ટ્રિક્ટેડ વિસ્તાર માટે આ ટૅક્નોલૉજી બેસ્ટ છે. આ ટૅક્નોલૉજીમાં રેન્જ લિમિટેડ એટલે કે ચોક્કસ હોવાથી એનો ફાયદો ઉઠાવી શકાય છે.
















