
સૌરાષ્ટ્રમાં શિયાળો હવે ક્રમશઃ જામી રહ્યો છે. ત્યારે દૈનિક સવારનાં તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે. આજરોજ સવારે રાજકોટ અને અમરેલીમાં નલિયાથી પણ વધુ ઠંડી નોંધાવા પામી હતી.આજે સવારે અમરેલી ખાતે 13.2 ડિગ્રી સાથે રાજયની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી.તેમજ રાજકોટ શહેરમાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

આ ઉપરાંત અમદાવાદમાં-15.5, વડોદરામાં 15.8, ભાવનગરમાં 16.4, ભુજમાં 17.7, દમણમાં-19, તથા ડિસામાં 16.6, દિવમાં-16.4, દ્વારકામાં 20.6, ગાંધીનગરમાં 14.5, ઓખામાં 22.8, પોરબંદરમાં 16.5, સુરતમાં 16.6, અને વેરાવળમાં 19.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, સવારનું તાપમાન ઘટવા સાથે રાજયમાં ઠેર-ઠેર બપોરનું મહતમ તાપમાન પણ ઘટવા લાગ્યું છે. ગઈકાલે રાજકોટ સહિત વિવિધ સ્થળોએ 28થી 32 ડિગ્રી વચ્ચે મહતમ તાપમાન નોંધાતા લોકોને ગરમીનો અહેસાસ થયો ન હતો.

જામનગરમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડી પગરવ કરી રહ્યો છે. ત્યારે ગતરાત્રિના ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. લોકોએ કબાટમાં રાખી મકેલા ગરમ કપડા પણ બહાર કાઢી લીધા છે. ગતરાત્રિના વાહન લઈને નિકળતા ચાલકો ગરમ કપડામાં જોવા મળ્યા હતા. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાત્રિના ઠંડીનો વધુ અહેસાસ થાય છે.

શિયાળાના પગરવ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન 1.5 ઘટાડા સાથે શહેરનો લઘુતમ તાપમાનનો પારો 16 ડીગ્રી રહ્યો હતો. જ્યારે અડધા ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ માંઘટીને 64 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 3.6 કિ.મી.ની રહેવા પામી હતી.



















