રાજ્યના ખેડૂતોની માથે ફરી માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ

હાલ ગુજરાતમાં આમ તો શિયાળો ચાલી રહ્યો છે અને કડકડતી ઠંડી પડી રહી છે. પરંતુ ઋતુચક્રની ઉલટી ચાલ શરૂ થવાની છે. ધ્રુજાવતી ઠંડી વચ્ચે ખેડૂતો માટે વજ્રઘાત બનવા માવઠું આવી રહ્યું છે. એટલે કે રાજ્યના ખેડૂતોની માથે ફરી માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel’s Big Prediction)એ ભરશિયાળે માવઠાના સંકટને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે હવે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. તો કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય કમોસમી વરસાદ પણ પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, તારીખ 23 અને 24 સુધીમાં લઘુત્તમ તાપમાન રાજ્યના ઘણા ભાગોમાં 15 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં થોડો-થોડો વધારો થવાની શક્યતા છે. 25-26 નવેમ્બર બાદ લઘુતમ તાપમાન 16 ડિગ્રી આસપાસ અને ત્યારબાદ 17 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. એટલે સવારે ભારે ઠંડીનો અહેસાસ થશે અને બપોરે ગરમીનો અનુભવ થશે. એટલે કે લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે.

તેમણે જણાવ્યું કે, ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતમાં 15થી 17 ડિસેમ્બરે માવઠાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે, આગામી 15થી 17 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી સામાન્ય વરસાદની પણ શક્યતા છે.

ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે, જેને લીધે ડિસેમ્બરના બીજા સપ્તાહથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં માવઠું થઈ શકે છે. સાથે જ તારીખ 20 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થવાની શક્યતા છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે.

તેમણે કહ્યું કે, 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની સંભાવના છે. ડિસેમ્બરના અંતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. પશ્ચિમી વિક્ષેપની અસર જતી રહેતા કાતિલ ઠંડીને વેગ મળે છે. તેથી જાન્યુઆરી માસ પણ હાડ થીજવતી ઠંડી પડે તેવી શક્યતા છે. 11 અને 12 જાન્યુઆરી બાદ પણ ઠંડીનો ચમકારો અનુભવાશે. ફેબ્રુઆરી અને માર્ચમાં પણ ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠું થઈ શકે છે.





