HomeAllઅરવલ્લી પર્વતમાળા મુદ્દે ભ્રમ ના ફેલાવશો, 90 ટકા વિસ્તાર સંરક્ષિત: કેન્દ્ર સરકારનો...

અરવલ્લી પર્વતમાળા મુદ્દે ભ્રમ ના ફેલાવશો, 90 ટકા વિસ્તાર સંરક્ષિત: કેન્દ્ર સરકારનો દાવો

સુંદરવન બેઠક બાદ અરવલ્લી પર્વતમાળાને અંગે ઉઠેલા વિરોધના સૂર પર કેન્દ્રીય પર્યાવરણ અને જળવાયુ મંત્રી તથા અલવર લોકસભાથી સાંસદ ભૂપેન્દ્ર યાદવે સ્થિતિ સાફ કરી છે. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ‘અરવલ્લી ક્ષેત્રમાં કોઈ પણ રીતે કોઈને પણ છૂટ આપવામાં આવી નથી, ન તો ભવિષ્યમાં અપાશે, અરવલ્લી પર્વતમાળા ભારતના ચાર રાજ્યો દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાં ફેલાયેલી છે. જેનું ક્ષેત્ર 39 જિલ્લાઓમાં વિસ્તરાયેલું છે. અરવલ્લીને લઈને કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ 1985થી થયેલી અરજીઓ હાલ ચાલી રહી છે, આ અરજીઓનો મૂળ ઉદ્દેશ્ય અરવલ્લી ક્ષેત્રમાં ખનન પર કડક અને સ્પષ્ટ નિયમ લાગુ કરવાનો છે. જેનું સરકાર સંપૂર્ણ રીતે સમર્થન કરે છે.’

100 મીટર સુધી ખોદકામના દાવાને ફગાવ્યો

ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ‘સુપ્રીમ કોર્ટે ચાર રાજ્યોને નિર્દેશ કર્યો છે કે અરવલ્લી ક્ષેત્રની એક સમાન પરિભાષા નક્કી કરવામાં આવે જેથી અલગ અલગ રાજ્યોમાં વ્યાખ્યાને આધારે નિયમોનું ઉલ્લંધન ન થાય, આજ દિશામાં સરકારે સ્પષ્ટ અને વૈજ્ઞાનિક પરિભાષા નક્કી કરી છે. મંત્રીએ 100 મીટરની પરિભાષાને લઈને ફેલાયેલા ભ્રમ પર પણ મૌન તોડ્યું હતું અને કહ્યું કે કેટલાક લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે કે 1000 મીટરનો મલતબ પહાડની ઉપરથી લઈને નીચે સુધી ખનનની છૂટછાટ છે. તેમણે આ વાતનું ખંડન કરી સ્પષ્ટ કર્યું હતું કે તે દાવો તદ્દન ખોટો છે.’

‘ટેકરીઓ જ નહીં પણ તેમની વચ્ચેની જમીન પણ સુરક્ષિત’

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના દાવા મુજબ ‘100 મીટરની સુરક્ષા સીમા પહાડના  ટેકરીના તળિયેથી શરૂ થાય છે, એટલે કે ટેકરીના પાયાથી 100 મીટર સુધીનો વિસ્તાર સુરક્ષિત રહેશે. ત્યાં કોઈ ખોદકામ કે પ્રવૃત્તિની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત મંત્રીએ ચોખવટ કરી હતી કે બે અરવલ્લી ટેકરીઓ વચ્ચે માત્ર 500 મીટરનું અંતર હશે, તો તે સમગ્ર વિસ્તાર અરવલ્લી પર્વતમાળાનો ભાગ ગણાશે. આનો અર્થ એ છે કે માત્ર ટેકરીઓ જ નહીં પણ તેમની વચ્ચેની જમીન પણ સુરક્ષિત રહેશે.’

‘અરવલ્લી વિસ્તારનો 90 ટકાથી વધુ ભાગ સંરક્ષિત થયો’

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ‘આ વ્યાખ્યાના અમલીકરણ પછી, અરવલ્લી ક્ષેત્રનો 90 ટકાથી વધુ ભાગ હવે સંરક્ષિત ક્ષેત્ર હેઠળ આવી ગયો છે. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હીના અરવલ્લી ક્ષેત્રમાં ખાણકામ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. સરકાર છેલ્લા બે વર્ષથી ગ્રીન અરવલ્લી પહેલ ચલાવી રહી છે. કેન્દ્ર સરકાર ગ્રીન અરવલ્લી માટે પ્રતિબદ્ધ છે. ભૂપેન્દ્ર યાદવે એ પણ સ્પષ્ટતા કરી હતી કે સરકારનો ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના વિકાસને રોકવાનો નથી, પરંતુ કુદરતી વારસો, પર્યાવરણીય સંતુલન અને ભાવિ પેઢીઓનું રક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને વૈજ્ઞાનિક ધોરણો પર આધારિત આ વ્યાખ્યા હવે મૂંઝવણના તમામ અવકાશને દૂર કરે છે. આનાથી માત્ર ગેરકાયદેસર ખાણકામ પર કાબુ મળશે નહીં પરંતુ અરવલ્લીને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ પર પણ કડક પ્રતિબંધ મૂકવામાં આવશે’.

ખનનથી નુકસાન થવાની દહેશત કેમ ઊભી થઈ?

કરોડો વર્ષોથી અરવલ્લી પર્વતમાળા ગુજરાતના પર્યાવરણની કરોડરજ્જુ સમાન છે પરંતુ તાજેતરના નીતિગત ફેરફારો પછી તેના અસ્તિત્વ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અરવલ્લી પર્વતની નવી વ્યાખ્યા મુજબ 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતો ડુંગર જ અરવલ્લી પર્વતની શ્રેણીમાં આવશે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી સોશિયલ મીડિયામાં અરવલ્લી બચાવો અભિયાન ઉપર ગુજરાતમાં છેડાયું છે. આ ચુકાદાના કારણે 90 ટકા પર્વતમાળામાં જમીન અને ખનિજ ખનનથી નુકસાન થવાની દહેશત પર્યાવરણ પ્રેમીઓએ વ્યક્ત કરી છે. થારના રણને વેગ આપી ફળદ્રુપ જમીનો ઉજ્જડ બનાવતી, સાબરમતી સહિતની નદીઓના પાણી સૂકવાય, ગૌચરો ગાયબ કરતી આ થોડાક આર્થિક હિતોના વિકાસની નીતિ સામે ઠેર ઠેર વિરોધનો સૂર ફુકાઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો

20 નવેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લી પર્વતમાળા અંગે ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. જેમાં આજુબાજુની જમીન કરતાં 100 મીટર કે તેથી વધુની ઊંચાઈ ધરાવતો ડુંગર અથવા તો પર્વતનો ભાગ જ અરવલ્લી પર્વતની શ્રેણીમાં ગણવામાં આવશે. અરવલ્લીની ગીરીમાળામાં 12,081 પર્વતો આવેલા છે, જેમાં 1048 પર્વતો 100 કે તેથી વધુ મીટરની ઊંચાઈ ધરાવે છે એટલે કે નવી વ્યાખ્યા મુજબ 8.7 ટકા પર્વતો જ તેમાં ગણી શકાશે અને 90 ટકાથી વધુ પર્વતો પર જમીન અને ખનિજ ખનન દ્વારા નુક્સાન થવાની દહેશત સાથે રાજસ્થાન અને હવે સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં પણ અરવલ્લી બચાવો અભિયાન સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો આ પર્વતમાળાની વચ્ચે ઘેરાયેલો છે અને કરોડો વર્ષોથી પર્વતમાળા કુદરતી આફતો સામે એક સુરક્ષા ચક્ર જેવી બની રહી છે  જો અરવલ્લી પર્વતમાળા નહીં બચે તો આવનારા સમયમાં પાણીની સમસ્યા, હવામાનનું અસંતુલન અને ગ્રામ્ય જીવન ઉપર ગંભીર અસર પડી શકે છે. વિકાસ જરૂરી છે પરંતુ તે પર્યાવરણના ભોગે ન હોવો જોઈએ તેવા અવાજ અને લાગણી સાથે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મિડીયામાં અરવલ્લી બચાવો અભિયાન તેજ બન્યું છે. જેના પર આજે કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટતા કરી છે.

અરવલ્લી પર્વતમાળાનું મહત્ત્વ

રણને રોકતી કુદરતી દીવાલ: અરવલ્લી ઉત્તર તથા પૂર્વ ભારતને થાર રણના વિસ્તરણથી બચાવે છે. આ પર્વતમાળા ગરમ પવનની તીવ્રતા ઘટાડીને જમીનને બેરણ બનતાં અટકાવે છે.

જળસ્ત્રોતની જીવન રેખા: અરવલ્લી પર્વતમાળા વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ રીચાર્જ કરે છે અને અનેક નદીઓ, તળાવો, બોર તેમજ કૂવા અરવલ્લી પર આધારિત છે.

જૈવવૈવિદ્યતાનો આધાર: અરવલ્લી પર્વતમાળામાં લાખો વૃક્ષો, વનસ્પતિઓ, પક્ષીઓ અને વન્ય જીવોનો વસવાટ છે અને આજ તેમનું કુદરતી નિવાસ અને પ્રજનનક્ષેત્ર ગણાય છે.

હવામાન સંતુલન: અરવલ્લીની પર્વતમાળા તાપમાન નિયંત્રિત રાખે છે, ગરમ પવનોને રોકે છે અને ચોમાસાને સહારો આપે છે.

જમીન અને ખેતીની સુરક્ષા: અરવલ્લી પર્વતમાળાના કારણે માટીનું ધોવાણ ઓછું થાય છે. જમીનની ઉર્વતા જળવાય છે અને ખેતી ઉપર સકારાત્મક અસર પડે છે.

ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો: અરવલ્લીની પર્વતમાળા પ્રાચીન સંસ્કૃતિઓની સાક્ષી છે, કિલ્લાઓ, મંદિરો, લોકજીવન અને પરંપરાઓ આ પર્વતમાળા સાથે જોડાયેલી છે.

આજીવિકા અને પ્રવાસન: વન ઉત્પાદન, પશુપાલન, ઈકો ટુરીઝમ તેમજ સ્થાનિક રોજગાર માટે અરવલ્લીની પર્વતમાળા આધાર સ્તંભ માનવામાં આવે છે.

કુદરતી આપત્તીઓથી રક્ષણઃ પૂર, ઘૂળ, આંધી, હિટવેવ, જમીનનો ક્ષય જેવા જોખમોનું પ્રમાણ ઘટાડવામાં અરવલ્લી પર્વતમાળા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!