
કેબિનેટ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ દ્વારા હાલમાં જ મેપમાયઇન્ડિયાના Mapplsને લઈને પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટની અસર ગૂગલ પર પડી હોય એવું લાગી રહ્યું છે. અશ્વિની વૈષ્ણવ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં તેમણે સ્વદેશી એપની ખાસિયત જણાવી હતી અને લોકોને એનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે.

આ પોસ્ટ બાદ સ્વદેશી એપનું ડાઉનલોડ રેટ વધી ગયું હતું. ગૂગલ પણ હવે તેનું સ્થાન જમાવી રાખવા માટે તેની સર્વિસમાં સુધારો કરી રહ્યું છે.
ગૂગલ આસિસ્ટન્ટની જગ્યા લેશે જેમિની

ગૂગલ મેપ્સમાં ગૂગલ આસિસ્ટન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ હવે એની જગ્યા જેમિની લેશે. વોઇસ કમાન્ડ સર્વિસ માટે હવે જેમિનીનો ઉપયોગ કરવામાં આવશે. આ ફીચરને હાલમાં લેટેસ્ટ બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું છે. જોકે એ હજી સુધી દરેક યુઝર્સ માટે નથી આવ્યું.

ગૂગલ મેપ્સમાં માઇક્રોફોન પર ટેપ કરતાં હવે જેમિની એક્ટિવેટ થઈ જશે. આથી ડ્રાઇવિંગ દરમિયાન પણ યુઝર્સને પરેશાની નહીં રહે.

ડ્રાઇવિંગમાં સરળતા
ગૂગલ આસિસ્ટન્ટ યુઝર્સને લિમિટેડ સર્વિસ આપતું હતું. વોઇસ કમાન્ડ દ્વારા એ ટર્ન-બાય-ટર્ન નેવિગેશન જરૂર આપતું હતું, પરંતુ હવે એની જગ્યાએ જેમિનીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ માટે ગૂગલ મેપ્સમાંથી બહાર જવાની પણ જરૂર નથી. વોઇસ કમાન્ડની મદદથી યુઝર્સ હવે રસ્તો બદલી શકશે, તેમ જ હાઇવે પર આવતાં ટોલની જગ્યાએ અન્ય રસ્તો પસંદ કરવો હોય એ તમામ કમાન્ડ હવે જેમિનીને આપતાં એ યુઝર્સને રસ્તો દેખાડી દેશે.

ગૂગલ દ્વારા ડ્રાઇવિંગ મોડમાંથી આસિસ્ટન્ટને કાઢવામાં આવ્યા છે અને હવે એન્ડ્રોઇડ ઓટોમાં પણ જેમિની સંપૂર્ણપણે કામ કરતું જોવા મળશે.

ગૂગલનું મુખ્ય AI બનશે જેમિની
ગૂગલ પાસે ઘણાં AI મોડલ છે, પરંતુ તેમનો પ્લાન હવે જેમિનીને તેમનું મુખ્ય AI બનાવવાનો છે. આ AIને હવે દરેક એપ્લિકેશન અને ડિવાઇસમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. જેમિનીમાં હવે ખૂબ જ સારી નેચરલ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સર્ચને પણ ખૂબ જ સ્માર્ટ રીતે કરી શકાય છે.

જેમિની હવે નેવિગેશનને પણ ખૂબ જ સરળ અને પર્સનલાઇઝ કરી દેશે. ખાસ કરીને લોકલ સર્ચ અને ઇકો-ફ્રેન્ડલી રસ્તાને પસંદ કરવાનો હોય ત્યારે.






















