
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાનની ટીમ એક ગ્રુપમાં છે. બંન્ને ટીમ વચ્ચે 14 સપ્ટેમ્બરના રોજ મેચ રમાશે. આ મેચ પહેલા એક સામાજિક કાર્યકર્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મેચ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજ મેચ રમાશે. આ મેચ પહેલા એક મોટો વિવાદ ઉભો થયો છે. પુણેના એક સામાજિક કાર્યકર્તા કેતન તિરોડકરે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં આ મેચ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ મેચ ભારતીય સંવિધાન વિરુદ્ધ છે. ખાસ કરીને ત્યારે જ્યારે પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ મેચ દુબઈમાં રમાવાની છે.

શું ભારત-પાકિસ્તાન મેચ રદ થશે?
અરજદારનો દલીલ છે કે, વર્તમાન પરિસ્થિતિઓમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમવી એ રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ છે.BCCIનો આ નિર્ણય બંધારણના અનુચ્છેદ 21નું ઉલ્લંઘન કરે છે, જેમાં જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર સામેલ છે. આ અધિકારમાં ગૌરવપૂર્ણ જીવન, આજીવિકા અને સ્વસ્થ વાતાવરણનો અધિકાર પણ શામેલ છે. અરજીમાં એ પણ આરોપ લાગ્યો છે કે, પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે સૈનિકો અને નાગરિકોના મોત થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં રમતગમત દ્વારા મિત્રતા દર્શાવવી દેશ માટે નુકસાનકારક છે.

આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. જેમાં કેટલાક લોકો આ અરજીને સમર્થન કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો આને રમત અને રાજકારણને અલગ રાખવાની વાત કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ હંમેશાથી ભાવનાઓ ભરેલું રહ્યું છે. આ વિવાદ વાતાવરણ ગરમાવી શકે છે. સુપ્રીમ કોર્ટે હવે આ મામલા પર શું નિર્ણય સંભળાવે છે. તે જોવાનું રસપ્રદ હશે. બીજી બાજુ ક્રિકેટ ચાહકો આ ઐતિહાસિક મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યાં બંન્ને ટીમ વચ્ચે મોટી ટક્કર જોવા મળશે.

બંન્ને ટીમો વચ્ચે 3 મેચની આશા
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025માં કુલ 3 મેચ રમાઈ શકે છે. આ વખતે આ બંન્ને ટીમ એક જ ગ્રપુમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ સુપર-4ની મેચ રમાશે. જ્યાં બંન્ને ટીમ ફરી એક વખત આમને-સામને ટકરાતી જોવા મળશે. જો ભારત-પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં પહોંચે છે તો. ત્રીજી મેચ પણ થઈ શકે છે.

















