HomeAllઔદ્યોગિક ગેસ વપરાશકારોને મોટી રાહત : 80 ટકા ગેસ વાપરી શકશે

ઔદ્યોગિક ગેસ વપરાશકારોને મોટી રાહત : 80 ટકા ગેસ વાપરી શકશે

મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુધ્ધના પગલે સર્જાયેલી ગેસની કટોકટીમાં ખાસ કરીને ઔદ્યોગિક વપરાશકારોને સરકારે મોટી રાહત આપી હોય તેમ ગુજરાત ગેસના ગ્રાહકોને 80 ટકા સુધી ગેસ વાપરવાની છૂટ આપવામાં આવી છે.

અગાઉ કંપની દ્વારા ઔદ્યોગિક ગેસમાં 50 ટકાનો કાપ જાહેર કરવામાં આવ્યો હતો જે હવે ઘટાડીને માત્ર 20 ટકા કરવામાં આવ્યો છે. રાજકોટના ધારાસભ્ય અને ઉદ્યોગપતિ એવા રમેશભાઇ ટીલાળાએ સરકારમાં વ્યાપક રજુઆતો કર્યાનો પોઝીટીવ પરિણામ આવ્યું છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત અનેક ભાગોમાં પાઇપલાઇન મારફત ઔદ્યોગિક ગેસ સપ્લાય કરતી કંપની ગુજરાત ગેસ દ્વારા ઔદ્યોગિક વપરાશકારોને પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે અને તેમાં 80 ટકા સુધી ગેસ વાપરવાની મંજુરી આપવામાં આવી છે.

પરિપત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, તા.9મી માર્ચથી આ નવો નિયમ લાગુ પડશે જે મુજબ છેલ્લા છ મહિનામાં ઔદ્યોગિક એકમોએ વપરાશ કરેલા ગેસના 80 ટકા તેઓ ઉપયોગ કરી શકશે. આનો સીધો અર્થ એવો થાય છે કે હવે ઉદ્યોગકારો છેલ્લા છ મહિનામાં ગેસના સરેરાશ વપરાશનો 80 ટકાનો ઉપયોગ કરી શકશે.

અગાઉ ગુજરાત ગેસ દ્વારા ઔદ્યોગિક વપરાશકારોને ફેબ્રુઆરી મહિનામાં વાપરેલા ગેસના 50 ટકા જ માર્ચ મહિનામાં વાપરવાનું કહેવામાં આવ્યું હતું આ સામે ઉદ્યોગકારોમાં જબરો કચવાટ ઉભો થયો હતો અને ઉત્પાદનનો બહુ મોટો ફટકો પડે તેવી આશંકા દર્શાવવામાં આવી હતી.

50 ટકાના બદલે 75 ટકા ગેસ વાપરવાની છૂટ આપવા અને ફેબ્રુઆરીના બદલે છેલ્લા છ માસના વપરાશના ધોરણે ક્વોટા નક્કી કરવા માંગણી કરવામાં આવી હતી. રાજકોટમાંથી શાપર વેરાવળ, મેટોડા સહિતના ઔદ્યોગિક ક્ષેત્રોના ઉદ્યોગ પ્રતિનિધિઓ દર બુધવારે ગાંધીનગર ગયા હતા.

ધારાસભ્ય રમેશ ટીલાળાને સાથે રાખી સંબંધીત પ્રધાનો તથા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. ઔદ્યોગિક ગેસમાં કાપને કારણે ઉત્પાદનને ખુબ મોટો ફટકો પડવાની રજૂઆત કરી હતી. ખાસ કરીને જે એકમો નિરંતર ચાલુ રહેતા હોય તેને અધ્ધવચ્ચે બંધ કરવા પડે. સાથોસાથ રોજગારીના પણ પ્રશ્ન ઉભા થાય તેવું ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી દ્વારા ઔદ્યોગિક વપરાશકારોને યોગ્ય માર્ગ કાઢવાની બાહેંધરી પણ આપવામાં આવી હતી. ઉદ્યોગકારોના પ્રયાસો સફળ થયા હોય તેમ હવે ઔદ્યોગિક વપરાશકારોને ગેસનો ક્વોટા વધારી દેવાની જાહેરાત ગેસ સપ્લાય કરતી કંપની ગુજરાત ગેસે કરી છે. અગાઉ 50 ટકાના બદલે હવે ઔદ્યોગિક વપરાશકારો 80 ટકા ગેસ વાપરી શકશે અને તે પણ છેલ્લા છ માસના વપરાશની સરેરાશના ધોરણે ક્વોટા નક્કી થશે.

ગુજરાત ગેસ દ્વારા પરિપત્રમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે ઔદ્યોગિક વપરાશકારો 80 ટકા કરતાં વધુ ગેસનો ઉપયોગ કરવાથી દૂર રહે. ઉદ્યોગો દ્વારા વધુ માત્રામાં ગેસ વાપરવામાં આવ્યો હોવાનું માલુમ પડશે તો કોઇપણ જાતની નોટિસ આપ્યા સિવાય કનેકશન કાપી નાખવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

ઉપરાંત જેટલો વધુ ગેસ વાપરવામાં આવ્યો હોય તેનો ચાર્જ વસુલવા અને અન્ય પગલા લેવાની પણ ચિમકી આપવામાં આવી છે. 80 ટકા વપરાશના ધોરણે આયોજન ગોઠવવા કહેવામાં આવ્યું છે.

દરમિયાન ગુજરાત ગેસના સુત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં જેટલા ઉદ્યોગોને કંપની તરફથી ગેસની સપ્લાય કરવામાં આવી છે તે તમામને આ નિયમ લાગુ પડશે. રાજકોટમાં 600 જેટલા ઔદ્યોગિક ગેસ વપરાશકારો છે. મોરબીના સિરામીક ઉદ્યોગથી માંડીને તમામ ક્ષેત્રોને આ નિર્ણયથી રાહત થવાનું સ્પષ્ટ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!