HomeAllભાજપના ઉમેદવાર દુર્લભજી દેથારિયાની વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીતને પડકારતી કોંગ્રેસ નેતા...

ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથારિયાની વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીતને પડકારતી કોંગ્રેસ નેતા લલિત કગથરાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

મોરબીની ટંકારા બેઠક પર ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથારિયાની વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીતને પડકારતી કોંગ્રેસ નેતા લલિત કગથરાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દેતા તેઓને મોટી રાહત મળી હતી.

કોંગ્રેસ નેતા લલિત કગથરાએ વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મોરબીના ટંકારા બેઠક ઉપરથી કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમની સામે ભાજપમાંથી દુર્લભજી દેથારીયા ચૂંટણી લડી રહ્યા હતા.

જેમાં ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથારીયા ટંકારાથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના દુર્લભજી દેથારીયાને 83,274 વોટ, જ્યારે કોંગ્રેસના લલિત કગથરાને 73,083 વોટ મળ્યા હતા. આમ ભાજપ આશરે 10 હજાર જેટલા વોટથી વિજેતા બન્યું હતું.

લલિત કગથરાએ ભાજપના ધારાસભ્યના ચૂંટણી ફોર્મમાં સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતો, ઇન્કમટેક્સ રિટર્ન અને મિલકતોની સ્પષ્ટતામાં ગંભીર છબરડા હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

જોકે, હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને રજૂ કરવામાં આવેલા તથ્યોને ધ્યાને રાખીને આ આક્ષેપોને ક્ષુલ્લક ગણાવ્યા હતા અને લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિ વિરુદ્ધની આ અરજી નકારી કાઢીને દુર્લભજી દેથારિયાની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

ભાજપના જીતેલા ઉમેદવાર દુર્લભજી દેથારીયાના ચૂંટણી ફોર્મમાં કેટલીક રીતે વિસંગતતાઓના આક્ષેપને લઈને લલિત કગથરાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં જણાવ્યા મુજબ ભાજપના ઉમેદવારે પોતાના ફોર્મમાં તેઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે જણાવ્યું ન હતું, તેમના પાછળના વર્ષોના ઇન્કમટેક્સ રિટર્નમાં સ્પષ્ટ રીતે વર્ષો લખવામાં આવ્યા ન હતા, તેમાં ક્રિમિનલ કેસો અંગે જગ્યામાં ફક્ત લાઇન(ડૅશ) કરવામાં આવી હતી.

મિલકતો અને ચૂંટણી ખર્ચ વિશે સ્પષ્ટતા નહોતી. કેટલીક જગ્યાઓ ખાલી છોડી હતી જ્યારે કેટલીક જગ્યાઓમાં ટીક કરાયું નહોતું. દુર્લભજી દેથારીયા વતી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ 10 હજાર વોટથી જીત્યા છે.

હારનાર પ્રતિધ્વંધી દ્વારા નાના અને સામાન્ય આક્ષેપો કરાયા છે. જ્યારે પ્રજાએ મત આપીને MLA બનાવ્યા હોય ત્યારે કોઈ ખોટી રજૂઆત થઈ શકે નહીં કે સ્વીકારી પણ શકાય નહીં. હાઈકોર્ટે પણ સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાઓ અને લલિત કગથરાના આક્ષેપોને વિસ્તૃત રીતે જોઈને ચુકાદો દુર્લભજી દેથારીયા તરફે આપતા લલિત કગથરાની અરજી નકારી નાખી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments