રશિયન ક્રુડતેલ ખરીદવા બદલ લાદવામાં આવેલા 25% ટેરિફ જશે : કેન્દ્રના મુખ્ય આર્થિક સલાહકારનો સંકેત

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદે ચાલી રહેલી વાટાઘાટમાં હાલના અમેરિકાના 50% ટેરિફના સ્થાને બન્ને દેશો 15%ના ટેરિફ આસપાસ સમજુતી પર આવી શકે છે અને ખાસ કરીને રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવા બદલ ટ્રમ્પ શાસને જે 25% ટેરીફ લાદવામાં આવ્યા છે તે પણ પરત ખેચાય તેવી ધારણા છે.
અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિમંડળ સામે દિલ્હીમાં વાતચીત બાદ ચીફ ઈકોનોમીક એડવાઈઝર વી.અનંત નાગેશ્વરનએ આશા દર્શાવી કે આગામી 8-10 સપ્તાહમાં અમેરિકા સાથેના ટેરિફનો મુદો ઉકેલાઈ જશે.

તા.30 નવેમ્બર સુધીમાં ટેરિફ મુદે હકારાત્મક સંકેત મળી જશે તેવી આશા વ્યક્ત કરી હતી. ગત મંગળવારે જ અમેરિકી પ્રતિનિધિમંડળ દિલ્હીમાં ભારતના સરકારી વ્યાપાર પ્રતિનિધિઓ સાથે વાતચીત કરીને પરત ગયુ છે.

ખાસ કરીને અમેરિકા તેના કૃષી ઉત્પાદનો સોયા તથા મકાઈ માટે ભારત નીચા ટેરિફ લાદે તેવી માંગ છે પણ તેનાથી ભારતના કૃષીક્ષેત્રને મોટો ફટકો પડે તેવો ભય છે. ઉપરાંત અમેરિકાના ડેરી ઉત્પાદનો પણ ભારતમાં નીચા ટેરિફથી ઠલવાય તો તેથી સ્થાનિક ડેરી ઉદ્યોગને મોટો ફટકો પડી શકે છે. અમેરિકા તેના કૃષી, ડેરી ઉત્પાદનો માટે ભારતને મોટા માર્કેટ તરીકે જુએ છે તેથી વાટાઘાટોમાં મોટા વિધ્ન છે.















