HomeAllભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી તણાવ વધ્યો, અઠવાડિયામાં બીજી વખત બાંગ્લાદેશના હાઈ...

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી તણાવ વધ્યો, અઠવાડિયામાં બીજી વખત બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું

ભારતે મંગળવારે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાઝ હમીદુલ્લાને ફરીથી તેડું મોકલ્યું (સમન્સ પાઠવ્યા) છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે આ બીજી વખત છે જ્યારે બાંગ્લાદેશના હાઈ કમિશનરને બોલાવવામાં આવ્યા હોય. આ ઘટનાક્રમથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં કડવાશ અને તણાવ વધી રહ્યો છે. આજે વહેલી સવારે ભારતમાં બાંગ્લાદેશ દૂતાવાસોની સુરક્ષા અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને મંગળવારે વિદેશ મંત્રાલયમાં તેડું મોકલવામાં આવ્યું હતું. ભારતમાં બાંગ્લાદેશના દૂતાવાસોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવા માટે બાંગ્લાદેશ સરકારે આ પગલું ભર્યું હતું. આ સામસામે લેવાયેલા પગલાંને કારણે બંને દેશો વચ્ચેની રાજદ્વારી સ્થિતિ નાજુક બની છે.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને સમન્સ પાઠવ્યા અને ભારતમાં બાંગ્લાદેશી રાજદ્વારી મિશનની બહાર બનેલી ઘટનાઓ પર ‘ગંભીર ચિંતા’ વ્યક્ત કર્યાના થોડા કલાકો પછી આ પગલું લેવામાં આવ્યું છે.

વિદેશ મંત્રાલય (MEA) એ સ્પષ્ટતા કરી કે બાંગ્લાદેશી હાઈ કમિશનરને ઢાકામાં બગડતી સુરક્ષા પરિસ્થિતિ અને ત્યાં ભારતીય હાઈ કમિશનને સંભવિત જોખમો અંગે ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કરવામાં આવ્યા છે. MEA એ જણાવ્યું હતું કે કેટલાક ‘કટ્ટરપંથી તત્વો’ ખુલ્લેઆમ ભારતીય મિશનની આસપાસ સુરક્ષા પડકાર ઊભો કરવાની વાત કરી રહ્યા છે.

ભારતે ગયા અઠવાડિયે ઢાકામાં ભારતીય મિશનની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવા માટે હમીદુલ્લાહને સમન્સ પાઠવ્યા હતા. આ દરમિયાન બાંગ્લાદેશે દિલ્હીમાં તેના હાઈ કમિશનની બહાર થયેલા વિરોધ પ્રદર્શનો અને સિલીગુડી વિઝા સેન્ટરમાં તોડફોડ અંગે ભારતીય રાજદૂત પ્રણય વર્માની સામે ‘ગંભીર ચિંતા’ વ્યક્ત કરી હતી.

ભારતે બાંગ્લાદેશમાં તાજેતરની ઘટનાઓ અંગે ફેલાવવામાં આવી રહેલી ‘ખોટી અને ભ્રામક વાર્તા’ને સ્પષ્ટપણે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે વચગાળાની સરકારે યોગ્ય તપાસ કરી નથી કે ભારત સાથે કોઈ નક્કર પુરાવા શેર કર્યા નથી.

હિંસા અને કટ્ટરપંથી પરિસ્થિતિને વધુ ખરાબ કરી

કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં વાતાવરણ તંગ બન્યું છે. પ્રદર્શનકારીઓએ કોઈ પુરાવા વિના હત્યામાં ‘ભારતીય હાથ’ હોવાનો દાવો કર્યો અને ભારે હિંસા ફેલાવી. જોકે, તેમની પોતાની સેના દ્વારા આ દાવાને નકારી કાઢવામાં આવ્યો. મૈમનસિંઘમાં એક હિન્દુ શ્રમિક દીપુ ચંદ્ર દાસને કથિત રીતે ટોળા દ્વારા માર મારવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી અને ત્યારબાદ તેના શરીરને બાળી નાખવામાં આવ્યું ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. આ ઘટનાએ ભારતમાં પણ આક્રોશ ફેલાવ્યો.

મંગળવારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના હજારો કાર્યકરોએ દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું, જેના કારણે 15,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવાની ફરજ પડી.

ખોટી અફવા અને સુરક્ષા પડકારો

ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ સ્પષ્ટતા કરી કે ભારત ઉગ્રવાદી તત્વો દ્વારા ફેલાવવામાં આવી રહેલી ‘ખોટી અફવાઓ” ને નકારી કાઢે છે. ભારતે એ વાત પર પણ નારાજગી વ્યક્ત કરી છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકારે હજુ સુધી હિંસાની ઘટનાઓ પર કોઈ વિશ્વસનીય તપાસ અહેવાલ શેર કર્યો નથી. વધુમાં બાંગ્લાદેશના એક નેતાએ ભારતના ‘સેવન સિસ્ટર્સ’ (પૂર્વોત્તર રાજ્યો) ને અલગ પાડવાની ધમકી આપી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!