HomeAllભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર છે ને એ ગમે ત્યાંથી ઓઇલ ખરીદી શકે...

ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર છે ને એ ગમે ત્યાંથી ઓઇલ ખરીદી શકે છે

ભારત અને અમેરિકા વચ્ચેની ’ટ્રેડ ડીલ’ને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દાવા પર હવે રશિયાએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી ’ક્રૂડ ઓઈલ’ ખરીદવાનું બંધ કરશે. આ ગંભીર મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય ’ક્રેમલિન’ એ સ્પષ્ટતા કરી છે કે ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને તે કોઈપણ દેશ પાસેથી તેલ ખરીદવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવને જ્યારે ટ્રમ્પના દાવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખૂબ જ સ્પષ્ટ જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, “અમે અને વિશ્વના તમામ ’ઉર્જા નિષ્ણાતો’ સારી રીતે જાણીએ છીએ કે રશિયા ભારતને તેલ સપ્લાય કરનાર એકમાત્ર દેશ નથી. ભારત પોતાની જરૂૂરિયાત મુજબ અન્ય દેશો પાસેથી પણ પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદતું રહ્યું છે, તેથી અમને ટ્રમ્પના નિવેદનમાં કોઈ નવી વાત દેખાતી નથી.”

પેસ્કોવે વધુમાં ઉમેર્યું હતું કે ભારત રશિયન તેલની ખરીદી બંધ કરી રહ્યું છે, તેવી કોઈ સત્તાવાર જાણકારી રશિયાને મળી નથી. રશિયાનું માનવું છે કે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત છે અને ભારત પોતાના ઉર્જા હિતોને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ નિર્ણય લેશે.

આ દરમિયાન, રશિયાના ’નેશનલ એનર્જી સિક્યુરિટી ફંડ’ ના ટોચના નિષ્ણાત ઇગોર યુશકોવે આ બાબતને ટેકનિકલ દ્રષ્ટિકોણથી સમજાવી હતી. તેમના મતે ભારતીય રિફાઇનરીઓ માટે રાતોરાત રશિયન તેલ બંધ કરવું મુશ્કેલ છે. અમેરિકા જે ’શેલ ઓઈલ’ વેચે છે તે હળવી ગુણવત્તાનું છે, જ્યારે રશિયા જે ’યુરલ્સ ઓઈલ’ આપે છે તે ભારે અને સલ્ફરયુક્ત હોય છે.

ભારતની રિફાઇનરીઓ રશિયન ક્રૂડ પ્રોસેસ કરવા માટે ડિઝાઈન થયેલી છે. જો ભારત સંપૂર્ણપણે અમેરિકન તેલ પર નિર્ભર રહેવા જાય તો તેને અન્ય તેલ સાથે મિક્સ કરવું પડે, જેનાથી ઉત્પાદન પ્રક્રિયા જટિલ બને છે અને સરવાળે ’રિફાઇનિંગ કોસ્ટ’ વધી જાય છે. જે આર્થિક રીતે ભારતને પોસાય તેમ નથી.

આંકડાકીય માહિતી આપતા યુશકોવે જણાવ્યું હતું કે, “રશિયા ભારતને દરરોજ 1.5 થી 2 મિલીયન બેરલ તેલ નિકાસ કરે છે. આટલો જંગી જથ્થો તાત્કાલિક ધોરણે પૂરો પાડવા માટે અમેરિકા હાલ અસમર્થ છે.” લોજિસ્ટિક્સ અને કિંમતની દ્રષ્ટિએ પણ રશિયન તેલ ભારત માટે અનુકૂળ રહ્યું છે.

અંતમાં રશિયન નિષ્ણાતોએ કટાક્ષ કરતા કહ્યું કે ટ્રમ્પનું નિવેદન માત્ર એવું દર્શાવવાનો પ્રયાસ છે કે તેમણે આ વેપાર મંત્રણામાં જીત મેળવી છે. પરંતુ જમીની હકીકત અલગ છે અને ભારત-રશિયા વચ્ચેનો ઉર્જા વેપાર અચાનક બંધ થઈ શકે તેમ નથી.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!