
: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે (6 ડિસેમ્બર) જણાવ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Russia President Vladimir Putin)ની તાજેતરની બે દિવસીય ભારત યાત્રા નવી દિલ્હી અને મોસ્કો વચ્ચેના સંબંધોને નવા માર્ગે વ્યાખ્યાયિત કરવા માટે હતી. ભારત-રશિયા સંબંધો દુનિયાના સૌથી સ્થિર સંબંધોમાંના એક રહ્યા છે. કોઈ દેશ અમારા સંબંધો પર વીટો નથી લગાવી શકતો. ભૌગોલિક-રાજકીય ઉતાર-ચઢાવથી ભરેલી દુનિયામાં પણ મોસ્કો સાથેના નવી દિલ્હીના સંબંધો સૌથી સ્થિર રહ્યા છે.

‘ભારત-રશિયા સંબંધો વિશ્વના સૌથી સ્થિર સંબંધોમાંથી એક’
જયશંકરે ભારપૂર્વક કહ્યું કે, ‘છેલ્લા 70થી 80 વર્ષોમાં વૈશ્વિક સ્તરે અનેક ઉતાર-ચઢાવ આવ્યા હોવા છતાં, ભારત-રશિયા સંબંધો વિશ્વના સૌથી સ્થિર સંબંધોમાંથી એક રહ્યા છે અને કોઈ પણ દેશ અમારા સંબંધો પર વીટો નહીં લગાવી શકે. ભૌગોલિક રાજકીય ઉતાર-ચઢાવથી ભરેલી દુનિયામાં, મોસ્કો સાથે નવી દિલ્હીના સંબંધો સૌથી સ્થિર રહ્યા છે. કોઈ પણ દેશ માટે અન્ય કોઈ દેશ સાથેના ભારતના સંબંધો પર વીટો લગાવવો અયોગ્ય છે.’

જયશંકરે અમેરિકા અંગે શું કહ્યું?
તેમણે ઉદાહરણ આપતા સમજાવ્યું કે, ‘અમેરિકા સાથે 80ના દાયકા અને 2000ની આસપાસ આર્થિક સંબંધો વધ્યા, પરંતુ સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે પરમાણુ કરાર ન થયો ત્યાં સુધી સંબંધો વૃદ્ધિ થઈ નહોતી. ઘણા યુરોપિયન દેશો ભારતને બદલે ચીનને પ્રાથમિક ભાગીદાર માને છે. જ્યારે ભારત અને રશિયાના સંબંધોમાં સંરક્ષણ સહયોગ હંમેશાથી એક મહત્ત્વની કડી રહ્યો છે.’

‘અમેરિકા સાથે સમજૂતી વહેલી પણ થઈ શકે અને વિલંબ પણ થઈ શકે’
ભારત-અમેરિકા સંબંધો પર વાત કરતાં એસ. જયશંકરે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ અમેરિકા સાથેના સંબંધો પર ઘણી મહેનત કરી છે. વિદેશ નીતિમાં હંમેશા મુશ્કેલીઓ આવતી હોય છે, પરંતુ કૂટનીતિ માટે હંમેશા આશાવાદી રહેવું જોઈએ. બંને દેશોની વાતચીતમાં કોઈ કમી નથી, ઘણા રાઉન્ડની વાતચીત થઈ રહી છે. આપણે જોવું પડશે કે સમજૂતી ક્યારે થશે, તે વહેલી પણ થઈ શકે છે અને વિલંબ પણ થઈ શકે છે. આપણા માટે દેશના કામદારો, ખેડૂતો અને મધ્યમ વર્ગનું હિત સર્વોપરી છે.’





