
ભારતે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લા સ્થિત ચિનાબ નદી પર 260 મેગાવોટની ‘દુલહસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટ’ના બીજા તબક્કાને મંજૂરી આપ્યા બાદ પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે. આ પહેલા ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓની કમર તોડી નાખી હતી, ત્યારબાદ કેન્દ્ર સરકારે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરીને પાકિસ્તાનને પાણી માટે ભીખ માગતું કરી દીધું છે. એટલું જ નહીં હવે ભારતે દુલહસ્તી-2 પ્રોજેક્ટને મંજૂરી આપતા પાકિસ્તાનની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે.

દુલહસ્તી-2 પ્રોજેક્ટથી પાકિસ્તાની સાંસદોને વાંધો પડ્યો
એકતરફ ભારતે દુલહસ્તી-2 પ્રોજેક્ટને મંજૂરી આપી દીધ છે, તો બીજીતરફ પાકિસ્તાની સાંસદને આ પ્રોજેક્ટથી વાંધો પડ્યો છે. પાકિસ્તાનની સમાચાર સંસ્થા ડૉનના રિપોર્ટ મુજબ, ‘પાકિસ્તાની સાંસદ શેરી રહમાને કહ્યું છે કે, પાણીને હથિયાર બનાવવું સમજદારી નથી અને અમે તેને મંજૂરી પણ આપતા નથી. આવા નિર્ણયના કારણે બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વધશે.’

ત્રણ નદીઓ પર અમારો, ત્રણ નદીઓ પર ભારતનો હક : સાંસદ રહેમાન
ભારતની કાર્યવાહીના કારણે પાકિસ્તાન પાણી માટે તરફડિયા મારી રહ્યું છે, ત્યારે સાંસદ રહમાને સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘ભારતે સિંધુ જળ સમજૂતી કરારનું જાહેરમાં ઉલ્લંઘન કરીને તાજેતરમાં જ દુલહસ્તી-2 પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. એકતરફી નિર્ણય લઈને સમજૂતી કરાર રદ ન કરી શકાય, જેની યુએનના રિપોર્ટમાં પણ પુષ્ટી કરવામાં આવી છે. કરાર મુજબ ઈન્ડસ, ઝેલમ અને ચિનાબ નદીના પાણી પર પાકિસ્તાનનો હક છે, જ્યારે રાવી, બ્યાસ અને સતલુજ નદીઓ પર ભારતનો હક છે.’

દુલહસ્તી પ્રોજેક્ટ-2ને મંજૂરી મળતા પાકિસ્તાનને ઝટકો
ઉલ્લેખનીય છે કે, ભારતના પર્યાવરણ મંત્રાલયની એક સમિતિએ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લા સ્થિત ચિનાબ નદી પર 260 મેગાવોટની ‘દુલહસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટ’ના બીજા તબક્કાને તાજેતરમાં જ મંજૂરી આપી દીધી છે. હવે આ 3200 કરોડ રૂપિયાના ‘રન ઑફ ધ રિવર’ પ્રોજેક્ટ માટે ટેન્ડર જારી કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ભારત દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો અને દુલહસ્તી પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી આપવાનો નિર્ણય પાકિસ્તાન માટે અનેક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ‘રન ઑફ ધ રિવર’ જળવિદ્યુત પ્રોજેક્ટના ધ્યેય સાથે સંકળાયેલો બીજા તબક્કાનો પ્રોજેક્ટ એક એવો પ્રોજેક્ટ છે, જેમાં નદીઓના જળ પ્રવાહમાં કોઈપણ અડચણ ઊભી કર્યા વગર વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. પ્રોજેક્ટની ખાસિયત એ છે કે, નદીમાં કોઈપણ અડચણ કર્યા વગર કુદરતી પ્રવાહનો ઉપયોગ કરી શકાય છે.

પ્રોજેક્ટ-2માં 260 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરાશે
દુલહસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટ પર વર્તમાનમાં 390 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા પર કામ થઈ રહ્યું છે. વર્ષ 2007માં NHPCએ આ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો, જે હાલમાં પણ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. હવે પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી મળ્યા બાદ વધુ 260 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકાશે.

પાણી માટે ભીખ માખતા પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ-2025ના રોજ આતંકવાદી હુમલો થયો હતો, ત્યારબાદ ભારત આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કાર્યવાહી કરી રહ્યું છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પીઓકે અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી નાખ્યા હતા, એટલું જ નહીં ભારતે સિંધુ જળ સમજૂતી પણ રદ કરી દીધી હતી, જેના કારણે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પાસે જઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાની સાથે પાણી માટે ભીખ માગી રહ્યું છે. એટલું જ નહીં, બિલાવ ભુટ્ટો સહિતના પાકિસ્તાની નેતાઓ ભારત પર પરમાણુ હુમલો કરવાની પણ ધમકી આપતા રહ્યા છે. હવે ભારતે પાકિસ્તાનને મોટો પાઠ ભણાવી મોટા પ્રોજેક્ટને મંજૂરી આપ્યા બાદ પાકિસ્તાનના ટેન્શનમાં વધુ વધારો થયો છે.











