ત્રણ વર્ષના કાર્યનો અહેવાલ રજૂ કરાયો : આગામી કાર્યક્રમોની રૂપરેખા સાથે જિલ્લા પ્રભારીએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું


મોરબી : ભારતીય મજદૂર સંઘ મોરબી જિલ્લા દ્વારા ત્રિવાર્ષીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિવેશનમાં મેરી ટાઈમ બોર્ડ, પરિવહન વિભાગ, પીએમ પોષણ યોજના સહિત વિવિધ ક્ષેત્રોના કાર્યકર ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી સંગઠનની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો હતો.

અધિવેશન દરમિયાન જિલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં જિલ્લા મહામંત્રી પ્રણવભાઈ નલીનભાઈ ઠાકરે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જિલ્લા સંગઠન દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. સાથે જ આગામી સમયગાળા દરમિયાન આયોજિત થનારા કાર્યક્રમો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેની કાર્યયોજનાની પણ માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત કાર્યકરોને સંગઠનની વિચારધારા, શ્રમિક હિતોના રક્ષણ અને સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામ કાર્યકરોને એકતા, સમર્પણ અને સેવા ભાવના સાથે કાર્ય કરવાની અપીલ કરી હતી.

અધિવેશનમાં મોરબી જિલ્લા પ્રમુખ ડી. એન. ઝાલા સહિત સંગઠનના હોદ્દેદારો, વિવિધ સંઘોના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.




















