ભારતીયો સહિત 3.5 અબજ લોકો પર મોટું સંકટ! ‘ઝીરો ડે’ પર ગૂગલનું એલર્ટ, ફટાફટ કરો આ કામ

ગૂગલની કોઈ પણ સર્વિસ હોય એના દુનિયાભરમાં ખૂબ જ વધુ યુઝર્સ છે. જોકે આ તમામ યુઝર્સ પર એક મોટું સંકટ આવ્યું છે. ગૂગલનું વેબ બ્રાઉઝર ક્રોમના દુનિયાભરમાં સૌથી વધુ યુઝર્સ છે. આ બ્રાઉઝરનો ઉપયોગ 3.5 અબજથી વધુ લોકો કરે છે. જોકે આ તમામ યુઝર્સ પર હવે સંકટ છે અને પાછળનું કારણ ક્રોમમાં રહેલી બે નબળાઈઓ છે. ગૂગલ દ્વારા એને ‘ઝીરો ડે’ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. હેકર્સ દ્વારા એનો ફાયદો ઉઠાવી ક્રોમ બ્રાઉઝરના યુઝર્સને શિકાર બનાવવામાં આવી શકે છે. આ જાણકારી ‘ફોર્બ્સ’ દ્વારા એક રિપોર્ટમાં આપવામાં આવી છે.

શું છે ‘ઝીરો ડે’ કેટેગરી?

ગૂગલ દ્વારા એક નવી કેટેગરી બનાવવામાં આવી છે અને એનું નામ ‘ઝીરો ડે’ રાખવામાં આવ્યું છે. આ કેટેગરીમાં એવી નબળાઈઓ અથવા તો ખામીઓનો સમાવેશ કરવામાં આવે છે જેનો ડેવલપર્સ અથવા તો કંપની દ્વારા સિક્યોરિટી પેચ આપવામાં આવે એ પહેલાં જ હેકર્સ એનો ઉપયોગ કરી હેક કરવાનું શરૂ કરી દીધું હોય છે. આથી કંપનીને સિક્યોરિટી અપડેટ આપવામાં સમય લાગી શકે છે અને ત્યાં સુધી ઘણાં એટેક્સ પણ થઈ ચૂક્યા હોય છે. આથી ગૂગલ દ્વારા એને ‘ઝીરો ડે’ કહેવામાં આવે છે કારણ કે તેમની પાસે ફિક્સ કરવા માટે સમય પણ નથી હોતો.

ક્રોમ દ્વારા આપવામાં આવી ઇમરજન્સી અપડેટ

આ નબળાઈને ધ્યાનમાં રાખીને ગૂગલ ક્રોમ દ્વારા એક ઇમરજન્સી સિક્યોરિટી અપડેટ આપવામાં આવ્યું છે. આ સાથે જ યુઝર્સને તરત જ એને અપડેટ કરવાની વિનંતી કરવામાં આવી છે. આ અપડેટ બાદ યુઝર્સ તેમના ડેટા અને ડિવાઇસને સિક્યોર રાખી શકશે. જો અપડેટ ન કરવામાં આવે તો યુઝર્સની સિસ્ટમ હેક થવાના ચાન્સ ખૂબ જ વધુ છે અને એનું પરિણામ કંઈ પણ આવી શકે છે.

નબળાઈ વિશે ગૂગલને માહિતી આપવાનું ટાળ્યું

ગૂગલ દ્વારા ફક્ત નબળાઈ હોવાનું કહેવામાં આવ્યું છે અને એને તરત જ અપડેટ કરવા માટે વિનંતી કરી છે. જોકે આ નબળાઈ શું છે એ વિશે ગૂગલ દ્વારા હજી સુધી કોઈ માહિતી આપવામાં નથી આવી. ગૂગલનું કહેવું છે કે જ્યાં સુધી વધુ પ્રમાણમાં યુઝર્સ આ અપડેટ ઇન્સ્ટોલ નહીં કરે ત્યાં સુધી આ વિશેની માહિતી જાહેર નહીં કરે. તેમનું માનવું છે કે જો આ નબળાઈ વિશે જાહેર કરી દેવામાં આવે તો હેકર્સ એનો ફાયદો તરત જ ઉઠાવી શકે છે. અત્યારે તેમને આ નબળાઈ વિશે શોધવું પડશે, જેમાં સમય લાગી શકે છે. આ નબળાઈઓને CVE-2026-3909 અને CVE-2026-3910 તરીકે ઓળખવામાં આવી રહી છે.

બ્રાઉઝરને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યું છે?

ઇન્ટરનેટ યુઝર્સ કોઈ પણ માહિતીને સર્ચ કરવા માટે સૌથી વધુ બ્રાઉઝરનો જ ઉપયોગ કરે છે. દરેક સ્માર્ટફોન અને લેપટોપ યુઝર્સ પાસે બ્રાઉઝર હોય છે. આ બ્રાઉઝરમાં સૌથી વધુ યુઝર્સ ક્રોમના છે. આ માટે હેકર્સ બ્રાઉઝરને ટાર્ગેટ કરે છે જેથી યુઝર્સની માહિતી તેઓ સરળતાથી હેક કરી શકે. એક જૂના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે મોટાભાગના સાઇબર અટેક બ્રાઉઝર દ્વારા થાય છે. Omdia દ્વારા 2025માં એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ Palo Alto Networks દ્વારા કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે જે પણ ઓર્ગેનાઇઝેશન પર સાઇબર અટેક થયો હતો એમાં 95 ટકા અટેકની શરૂઆત યુઝર્સના કમ્પ્યુટરથી થઈ હતી.

બ્રાઉઝર હેકિંગ વિશે સાઇબર એક્સપર્ટનું શું કહેવું છે?

સાઇબર એક્સપર્ટનું કહેવું છે કે હેકર્સ હવે સીધું બ્રાઉઝરને જ નિશાન બનાવે છે. એમાં હેકર્સ ચોરી કરવામાં આવેલા ટોકનનો ઉપયોગ કરી સેશન હાઇજેકિંગ અને એડવાન્સ ફિશિંગ એટેક્સ કરે છે. ઘણાં સમયથી આ પ્રકારના એટેકનો સામનો કરવા માટે મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ હેકર્સ હવે એને પણ બાયપાસ કરે છે. આથી બ્રાઉઝરમાં રહેલી ખામી સીધું હેકિંગને ખૂબ જ સરળ બનાવે છે અને એને કારણે યુઝર્સ પર સંકટ વધે છે.

error: Content is protected !!