
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજસ્થાનથી મેગા સ્કીલિંગ અભિયાનની શરૂઆત કરી છે, જે અંતર્ગત એક વર્ષમાં 10 લાખ યુવાનોને AI તાલીમ આપી રોજગાર સક્ષમ બનાવવામાં આવશે. મંત્રીએ એઆઈની તુલના વીજળી સાથે કરતા જણાવ્યું કે, આ ટેકનોલોજી આગામી સમયમાં દરેક ઘર અને વ્યક્તિના દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બની જશે.


ઓછી કિંમતે વર્લ્ડ ક્લાસ કમ્પ્યુટિંગ સુવિધા મળશે
તેમણે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારત એઆઈના લોકશાહીકરણ પર ભાર મૂકી રહ્યું છે જેથી દરેક નાગરિકને સમાન તક મળે. આ મિશન હેઠળ સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓ માટે અત્યંત ઓછી કિંમતે વર્લ્ડ ક્લાસ કમ્પ્યુટિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. ભારત અત્યારે એઆઈ ઈન્ડેક્સમાં અમેરિકા અને ચીન સાથે વિશ્વના ટોચના ત્રણ દેશોમાં સ્થાન પામ્યું છે.

મોંગી સેવાઓ સસ્તામાં ઉપલબ્ધ થશે
કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે સરકાર દ્વારા 38000 GPU પહેલેથી જ ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. પશ્ચિમી દેશોમાં મોંઘી ગણાતી આ સેવાઓ ભારતમાં સામાન્ય ઈજનેરો અને વૈજ્ઞાનિકો માટે પણ સુલભ બનાવવામાં આવશે, જેથી આર્થિક અવરોધ વિના સંશોધન અને વિકાસ થઈ શકે.













