
પ્રથમ વંદે ભારત સ્લિપર ટ્રેન આવતા મહિનાથી શરૂ થશે એમ જણાવતાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે પ્રવાસીઓની સુવિધા વધારવાને લગતું કામ હજુ ચાલી રહ્યું છે. નવી અપડેટ કરાયેલી વંદે ભારત સ્લિપર ટ્રેન આવતા મહિનાથી શરૂ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, પ્રથમ રેકની ચકાસણી કર્યા બાદ ટ્રેનની બોગી અને સિટમાં નજીવા ફેરફાર કરવાનાં મળેલા સૂચનનો અમલ કરવામાં આવી રહ્યો છે. નજીવા ફેરફાર જ કરવાનાં છે, પરંતુ અમે તેને મોટા ગણીએ છીએ કેમ કે પ્રવાસીઓની સુવિધા માટે અમે ઉચ્ચ ધોરણ જાળવી રાખવા માગીએ છીએ.

પ્રવાસીઓની સગવડ અને સુરક્ષા માટે અમે કોઈ શોર્ટકટ અપનાવવા નથી માગતા એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અમે ભાવિ પેઢીને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ પ્રોડક્ટ આપવા માગીએ છીએ.

અહીં એ જણાવવાનું કે, ગઈકાલે જ રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO)ની આગેવાની વધુ એક વંદે ભારત સ્લીપર રેકનો ટ્રાયલ સફળતાપૂર્વક પૂરો કરવામાં આવ્યો છે.

આ નવી ટ્રેન બીઈએમએલ દ્વારા આઈસીએફની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવી છે. આ નવી સેમી હાઈ સ્પીડ ટ્રેન સ્લીપર ટ્રેન ભારતમાં લાંબા અંતરની મુસાફરી માટે સૌથી મોટું પરિવર્તન લાવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.





