
ભારતનો પહેલો ડિજિટલ પ્રાઇવસી કાયદો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ હવે લાગુ થઈ ચૂક્યો છે. સરકાર દ્વારા આ નિયમને લાગુ કરતાની સાથે જ કંપનીઓને 18 મહિનાનો સમય આપી દેવામાં આવ્યો છે. આ સમયની અંદર કંપનીઓ દ્વારા કાયદાનું પાલન કરવાનું આવશ્યક છે. આ નવા કાયદા હેઠળ કન્સેન્ટ મેનેજરને પોતાને પ્રતિનિધિ તરીકે રજિસ્ટર કરાવવા માટે 12 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જાણો આ કાયદાનો યુઝર પર શું અસર પડશે.

નવા કાયદામાં પારદર્શકતા અને યુઝરને કન્ટ્રોલ
નવા કાયદા પ્રમાણે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ કંપની અને યુઝરના ડેટા સાથે સંકળાયેલી કંપનીઓએ હવે યુઝરના પર્સનલ ડેટા વિશે તેમને દરેક ડેટાના ઉપયોગ વિશે તમામ માહિતી આપવી પડશે. આ કાયદા પ્રમાણે યુઝર પાસે તેમના ડેટાનો ઉપયોગ કરવા માટે પરવાનગી લેવી પડશે. તેમ જ તેમના ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એની તમામ માહિતી આપવી પડશે. કંપનીઓ દ્વારા જો યુઝરના ડેટાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોય એવું લાગે તો તેમના દ્વારા ડેટા માટે જે પરવાનગી આપવામાં આવી છે એ ખેંચી લેવી પડશે. આ સાથે જ તેમણે ડેટા પ્રોટેક્શન બોર્ડને ફરિયાદ કરવી હોય તો તે માટેની સુવિધા પણ પૂરી પાડવી પડશે.

કન્સેન્ટ મેનેજર અને ડેટા પ્રોટેક્શન બોર્ડ શું કામ કરશે?
કન્સેન્ટ મેનેજર બનવા માટે ભારતીય કંપની દ્વારા ડેટા પ્રોટેક્શન બોર્ડનો સંપર્ક કરવો પડશે. તેમના દ્વારા બનાવવામાં આવેલી તમામ શરતોનું પાલન કર્યા બાદ એ માટે એપ્લાય કરવું પડશે. ડેટા પ્રોટેક્શન બોર્ડ સંપૂર્ણ રીતે ડિજિટલ કામ કરશે. તેમનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ડેટા પ્રોટેક્શન બોર્ડમાં ચાર સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ચેરપર્સન પણ છે. જો કન્સેન્ટ મેનેજર શરતોનું પાલન નહીં કરી શકે તો તેનું રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવશે.

નવા કાયદા પ્રમાણે બનાવવામાં આવી છે કેટેગરી
નવા કાયદા પ્રમાણે каждой ડિજિટલ કંપનીઓ કેવી રીતની સર્વિસ પૂરી પાડે છે એ અનુસાર અલગ-અલગ કેટેગરીમાં તેમને વહેંચવામાં આવ્યા છે. આ પ્લેટફોર્મ માટે યુઝરના ડેટાને ડિલીટ કરવા માટે અલગ-અલગ ટાઇમલાઇન આપવામાં આવી છે. જો કાયદાને લગતી કોઈ વાત હોય તો એ માટે જે-તે યુઝરના ડેટાને તેમણે સાચવી રાખવો પડશે. જો ડેટા બ્રીચ થયું તો કંપનીએ આ વિશે યુઝર અને ડેટા પ્રોટેક્શન બોર્ડને 72 કલાકની અંદર જણાવવાનું રહેશે.

ડેટાને લઈને વિશ્વસનીયતા અને પેરન્ટ્સની પરવાનગી
નવા કાયદા પ્રમાણે કંપનીઓએ યુઝરના તમામ ડેટાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે એ વિશે જણાવવાનું રહેશે. કંપનીઓ દ્વારા પર્સનલ ડેટાને કેટલો પ્રોસેસ કરવામાં આવે એ વિશે જણાવવું જરૂરી બની ગયું છે. તેમ જ કંપનીઓ દ્વારા ભારતનું સાર્વભૌમત્વ, અખંડિતતા, ઇલેક્ટોરલ ડેમોક્રેસી, સિક્યોરિટી અને લોકો વચ્ચે શાંતિ જાળવી રાખવી જરૂરી છે. જો એમાં કોઈ પણ અવરોધ આવ્યો તો એ સામે પગલાં લેવામાં આવશે. આ સાથે જ કંપનીઓ દ્વારા બાળકોના પર્સનલ ડેટાનો ઉપયોગ કરવા પહેલાં પેરન્ટ્સની પરવાનગી લેવાની રહેશે.

કાયદાનો ભંગ કરતાં થશે દંડ
નવા કાયદા અનુસાર કંપનીઓએ યુઝરના પર્સનલ ડેટાને પ્રોટેક્ટ કરવા માટે સિક્યોરિટી રાખવી પડશે. એ માટે એન્ક્રિપ્શન, એક્સેસ કન્ટ્રોલ, અનઓથરાઇઝ્ડ એક્સેસ પર મોનિટરિંગ અને ડેટા બેકઅપ જેવી તમામ જવાબદારીઓ લેવી પડશે. તેમના ડેટાને પ્રોસેસ કરવા પહેલાં યુઝરને ચોક્કસ સાફ શબ્દોમાં નોટિસ આપવી પડશે. આ નોટિસમાં દરેક ડેટાને કેટેગરીમાં રજૂ કરવું પડશે અને એનો ઉપયોગ શેમાં કરવામાં આવી રહ્યો છે એ જણાવવું પડશે. જો આ નિયમો પાળવામાં ન આવ્યાં તો 250 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.


















