
ભુજ (કચ્છ)થી મહારાષ્ટ્રના પંચગણી–મહાબળેશ્વર ખાતે આયોજિત ઈન્ડિયા બાઈક વીક 2025માં કચ્છના બે ઉત્સાહી બાઈકર્સ હર્ષ વિજય બુધભટ્ટી અને મિત રજનીકાન્ત બુધભટ્ટીએ લાંબી તથા પડકારજનક બાઈક યાત્રા પૂર્ણ કરી નોંધપાત્ર હાજરી નોંધાવી હતી. બંને રાઇડર્સે પોતાની-પોતાની બાઇક્સ — રોયલ એનફિલ્ડ હિમાલયન 450 અને બજાજ પલ્સર 220 — પર તા. 17 ડિસેમ્બરથી પ્રવાસની શરૂઆત કરી હતી.







આ સમગ્ર યાત્રા દરમિયાન બંનેએ આશરે 2,250 કિમીનો રાઉન્ડ ટ્રિપ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લઈને તેમણે લાંબા અંતરની ટૂરિંગ પ્રત્યેનો જુસ્સો અને સમર્પણ પ્રદર્શિત કર્યો. નોંધનીય છે કે અગાઉ 2019માં પણ હર્ષ અને મિત બુધભટ્ટી ભુજથી ગોવા સુધી બાઈક યાત્રા કરીને ઈન્ડિયા બાઈક વીકમાં હાજર રહ્યા હતા.

હર્ષ બુધભટ્ટીએ જણાવ્યું હતું કે તેમણે ગયા વર્ષથી પોતાની યૂટ્યુબ કન્ટેન્ટ ક્રિયેશન ચેનલ શરૂ કરી છે અને હાલ બાઈકિંગ તથા ટ્રાવેલ સંબંધિત કન્ટેન્ટ સર્જન પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. તેમણે તમામ બાઈકર્સને સંદેશ આપતા કહ્યું કે, “રાઇડ કરો, પરંતુ હંમેશા જવાબદારીપૂર્વક કરો અને સુરક્ષા માટે હેલ્મેટ ફરજિયાત પહેરો.”

યાત્રા દરમિયાન માર્ગોની સ્થિતિ સારી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ખાસ કરીને, ભુજથી પંચગણી સુધીનું અંદાજે 1,100 કિમીનું અંતર બંને રાઇડર્સે લગભગ 20 કલાકમાં પૂર્ણ કર્યું, જે તેમની તૈયારી, અનુભવ અને સહનશક્તિનો પુરાવો આપે છે.

કચ્છના આ બે યુવા બાઈકર્સની સિદ્ધિ સ્થાનિક યુવાનો માટે પ્રેરણારૂપ બની છે અને એ દર્શાવે છે કે યોગ્ય આયોજન, શિસ્ત અને સુરક્ષાની સમજ સાથે લાંબી બાઈક યાત્રાઓ સફળતાપૂર્વક કરી શકાય છે.








