
ડિજિટલ પેમેન્ટના યુગમાં મોબાઈલ રિચાર્જ કરતી વખતે એક નાની ભૂલ મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે. ત્યારે જો તમારાથી ઉતાવળમાં કોઈ ખોટા નંબર કે ખોટા પ્લાન પર રિચાર્જ થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. જો તમે Jio યુઝર છો તો તમે રિચાર્જને કેન્સલ કરીને પૈસા પાછા મેળવી શકો છો. જોકે, આ માટે સમયમર્યાદા અને કેટલીક ખાસ શરતો નક્કી કરવામાં આવી છે, જેની વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે.

કોણ લઈ શકે છે સુવિધાનો લાભ?
રિફંડ મેળવવા માટેની આ સુવિધાનો લાભ મેળવવા માટે યુઝરે કેટલીક ખાસ શરતો પૂરી કરવી પડશે. જે મુજબ, રિચાર્જ માત્ર MyJio એપ અથવા Jio.com દ્વારા કરવામાં આવ્યું હોવું જોઈએ. ત્રીજા પક્ષની એપ્સ (Paytm, GPay, PhonePe) કે POS મશીનથી કરેલા રિચાર્જ પર આ સુવિધા મળશે નહીં. આ ફીચર પ્રીપેડ અને પોસ્ટપેડ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે (પરંતુ પોસ્ટપેડ બિલ પેમેન્ટ માટે નહીં).

સમયમર્યાદામાં અરજી કરશો તો જ મળશે રિફંડ
ખોટું રિચાર્જ કેન્સલ કરીને રિફંડ મેળવવો હોય તો સ્ટાન્ડર્ડ પ્લાન માટે રિચાર્જ કર્યાના 3 કલાકની અંદર રિક્વેસ્ટ કરવી જરૂરી છે. આ ઉપરાંત, ઇન્ટરનેશનલ રોમિંગ અથવા ISD પ્લાન માટે 2 કલાકની અંદર અથવા જો પ્લાન ‘Upcoming’ સ્ટેટસમાં હોય તો 30 દિવસની અંદર અરજી કરવી જરૂરી છે. દરેક યુઝર દર 30 દિવસે માત્ર એક જ વાર અને કેલેન્ડર વર્ષમાં વધુમાં વધુ 3 વાર આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.

રિચાર્જ કેન્સલ કરવાના સ્ટેપ્સ
- MyJio એપના હોમ પેજ પર જાઓ.
- “Recharges & History” વિભાગમાં જાઓ.
- પ્રીપેડ યુઝર્સ: “Recharge History” પસંદ કરો.
પોસ્ટપેડ યુઝર્સ: “Invoice History” > “Recharge Transaction History” પસંદ કરો. - જે પ્લાન કેન્સલ કરવો હોય તેના પર “View Details” માં જઈને “Cancel” પર ટેપ કરો.
- જો તમે પાત્ર હશો, તો રિફંડ માટે બે વિકલ્પો મળશે
MyJio Store Credit wallet: જેમાં તાત્કાલિક પૈસા પાછા મળશે.
Original Payment Method: જે પદ્ધતિથી પૈસા ચૂકવ્યા હતા તેમાં રિફંડ (આમાં 21 દિવસ કે તેથી વધુ સમય લાગી શકે છે).












