
પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય, જે છેલ્લા નવ દાયકા થી વધુ સમયથી વિશ્વના 150 કરતાં પણ વધુ દેશોમાં શાંતિ, સકારાત્મકતા અને નૈતિક મૂલ્યોના પ્રસાર માટે કાર્યરત તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં સલાહકાર તરીકે સેવાઓ આપી રહેલી અગ્રણી મહિલા સંચાલિત સંસ્થા છે, તેના માર્ગદર્શન હેઠળ ગુજરાત ઝોન દ્વારા “બિલિયન મિનિટ્સ ઓફ પીસ” અપીલ પ્રોજેક્ટનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે.

માહિતી મુજબ, વર્તમાન અશાંતિ અને ભયયુક્ત પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ આંતરિક શાંતિ અનુભવે અને સમાજ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવે તે હેતુસર આ અભિયાન 24 ઓક્ટોબર 2025 થી 21 ડિસેમ્બર 2025 સુધી તમામ બ્રહ્માકુમારી સેન્ટરોમાં ઉજવાશે. અભિયાન અંતર્ગત પ્રતિદિન ઓછામાં ઓછી પાંચ મિનિટ શાંતિદાન કરવાનો આગ્રહ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ દરમિયાન 23 નવેમ્બર 2025ના રોજ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શાંતિના સંદેશને સમાજ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાતી આ યાત્રામાં દરેક વર્ગના લોકો કોઈપણ ભેદભાવ વિના જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.

તદુપરાંત, પ્રોજેક્ટના સમાપન પ્રસંગે 21 ડિસેમ્બર 2025, વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે અમદાવાદ યુનિવર્સિટી રોડ ખાતે વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 60,000 રાજયોગી ભાઈ-બહેનો 3 કલાકના સંયુક્ત શાંતિદાન દ્વારા વિશ્વશાંતિ માટે શક્તિશાળી સંકલ્પ કરશે.

બ્રહ્માકુમારી સંસ્થાએ રાજ્યના તમામ નાગરિકોને આ ત્રણેય કાર્યક્રમોમાં સહભાગી બની વિશ્વશાંતિ માટે નિમિત્ત બનવા નમ્ર અપીલ કરી છે.




