‘ભારતસ્ય પ્રતિષ્ઠે દ્વે સંસ્કૃતં સંસ્કૃતિસ્તથા’ એ સૂક્તિ અનુસાર સંસ્કૃતભાષા અને સંસ્કૃતિ એ ભારત દેશની પ્રતિષ્ઠા ના મૂળ આધાર સ્તંભ છે. દેવભાષા સંસ્કૃતભાષાના પ્રસાર અને પ્રચાર માટે જન-જન સુધી સંસ્કૃત ભાષાના મહત્વને પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામની પુણ્ય પવિત્ર ભૂમિમાં શ્રી કનકેશ્વરી દેવી ગુરુ પૂ. શ્રી કેશવાનંદ બાપુ ટ્રસ્ટ સંચાલિત શ્રી સદ્ગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ત્રિદિવસીય સંસ્કૃતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં ઋષિકુમારો દ્વારા વૈદિક મંગલાચરણ કરી વાતાવરણ મંત્રમુગ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાલયના પ્રધાનાચાર્ય ડો. દીપકભાઈ મહેતા દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ મોરબી ક્ષેત્રના વિદ્વાન સંસ્કૃતજ્ઞ નિખિલભાઇ પંડ્યા દ્વારા સંસ્કૃત ભાષાના મહત્વ વિષયે રસપ્રદ વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું. સમગ્ર સભાનું વાતાવરણ દેવભાષા સંસ્કૃત ભાષામય રહ્યું હતું.
ત્યાર બાદ મંત્રકંઠપાઠ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 વિદ્યાર્થીઓએ ભાગગ્રહણ કર્યો હતો. ત્યારબાદ અક્ષરશ્ર્લોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બીજા દિવસે શ્લોકકંઠપાઠ સ્પર્ધા, ત્રીજા દિવસે સ્તોત્રકંઠપાઠ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સભાનું દેવભાષામાં સંચાલન વિદ્યાલયના માનદ અધ્યાપક શ્રીનિકુંજભાઈ દવે દ્વારા મનોહર શૈલીથી કરવામાં આવ્યું હતું.
મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામ ખાતે શાળા દ્વારા યોજવામાં આવેલી તિરંગા રેલીમાં જિલ્લા કલેક્ટર કે.બી ઝવેરી શાળાના ભૂલકાઓ સાથે જોડાયા હતા.
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનો અને કાર્યક્રમોના ભાગરૂપે મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની શાળામાં શાળાના બાળકો દ્વારા ગામની શેરીઓમાં દેશભક્તિના નારાઓ સાથે તિરંગા રેલી યોજવામાં આવી હતી. આ તિરંગા રેલીમાં જિલ્લા કલેક્ટર કે.બી ઝવેરી નાના ભૂલકાઓ સાથે જોડાયા હતા અને બાળકો તેમજ ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો.
હર ઘર તિરંગા અભિયાન અન્વયે રાષ્ટ્રભાવના ઉજાગર કરી તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી સરદાર પટેલ સ્ટેચ્યુ, શનાળા રોડ સુધીના રૂટ પર જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં જિલ્લાવાસીઓ અનન્ય ઉમંગ, ઉત્સાહ અને જુસ્સાભેર જોડાયા હતા. અંદાજિત ૨૫૦૦ લોકોએ આ ૨ કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી મોરબીને તિરંગામય બનાવી દીધો હતો.
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર કે.બી. ઝવેરી, મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારી એસ.જે. પ્રજાપતિ, સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસના જવાનો ૩૦૦ ગજ લાંબો રાષ્ટ્રધ્વજ લઈ તિરંગા યાત્રામાં જોડાતા દેશભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. મોરબી જિલ્લાવાસીઓએ અદભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી.
મોરબીના નગરજનો આન,બાન, શાન સાથે તિરંગો લહેરાવી આ યાત્રામાં જોમ જુસ્સાથી જોડાયા હતા. ‘તિરંગો અમારું સન્માન, અમારું સ્વાભિમાન’ની ભાવના વ્યક્ત કરી સૌ ઉપસ્થિતોએ ગર્વભેર દેશભક્તિના નારા લગાવ્યા હતા, સાથે સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. શાળાના બાળકો દેશભક્તિ સબંધિત વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રાને નિહાળવા મોરબીના માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા. યાત્રાના રૂટ પર દુકાનદારો, શહેરીજનો અને વિવિધ સ્થળોએ સ્ટેજ પર બાળકોએ તિરંગા યાત્રાનું અભિવાદન કર્યું હતું.
સૌએ મહાનગરપાલિકા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શનાળા રોડ પર સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને વંદન કરી શ્રદ્ધાંજલિ આપી યાત્રાની પૂર્ણાહુતિ કરાવી હતી.
આ તિરંગા યાત્રામાં જિલ્લાના પદાધિકારી ઓ, અગ્રણી ઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી /કર્મચારી ઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.
મોરબી તાલુકાના જેતપર ગામમાં થોડાક સમય પૂર્વે બનાવવામાં આવેલ મુખ્ય માર્ગ ટૂટી જતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ગામના રહેવાસીઓએ આ મુદ્દો જિલ્લા પંચાયત સભ્ય અજય લોરિયાના ધ્યાનમાં મુક્યો.
પ્રજાના પ્રશ્ન અને તેમના દૈનિક અવરજવર દરમિયાન પડતી મુશ્કેલીઓને પ્રાથમિકતા આપીને, અજય લોરિયાએ કોઈપણ સરકારી ફંડની રાહ જોયા વગર પોતાના સ્વખર્ચે રોડ રીપેરનું કામ કરાવ્યું. કામ પૂર્ણ થતા ગામજનોને રાહત મળી અને લોકોએ અજય લોરિયાના આ સેવા ભાવ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો.
આ પગલું પ્રજા પ્રતિનિધિ તરીકેની જવાબદારી અને લોકસેવા માટેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
ભારતમાં કરદાતાઓ માટે અભૂતપૂર્વ સુવિધા લાવવા માટે જિયોફાઇનાન્સ એપ પર ફીચર-પેક્ડ ટેક્સ પ્લાનિંગ અને ફાઇલિંગ મોડ્યુલ રજૂ કરવામાં આવ્યાં છે. ભારતના લોકો માટે ટેક્સ પ્લાનિંગ અને ઇન્કમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) ફાઇલિંગને વધુ સરળ, સ્માર્ટ અને સસ્તું બનાવવાના હેતુથી આ નવું ફીચર ટેક્સબડી સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યું છે, તે એક ઓનલાઇન ટેક્સ ફાઇલિંગ અને સલાહ આપતી સેવા છે જે કરદાતાઓને બિલ્ટ-ઇન કમ્પ્લાયન્સ અને નિષ્ણાત સહાય સાથે માર્ગદર્શન સાથે ડિજિટલ-ફર્સ્ટ અનુભવ પૂરો પાડે છે.
આ મોડ્યુલમાં છે 2 મુખ્ય ફીચર્સ
આ મોડ્યુલમાં બે મુખ્ય ફીચર્સનો સમાવેશ થાય છે – ટેક્સ પ્લાનર અને ટેક્સ ફાઇલિંગ. ટેક્સ ફાઇલિંગ ફીચર જૂના અને નવા ટેક્સ રિજિમ વચ્ચેના ગૂંચવાડા જેવી સામાન્ય સમસ્યાઓ દૂર કરવા, 80સી અને 80ડી જેવી કલમો હેઠળની કપાત ચૂકી ન જવાય તેની ખાતરી કરીને ગ્રાહકોને કર બચાવવામાં મદદ કરવા અને ખર્ચાળ વચેટિયાઓ પર વધુ પડતી નિર્ભરતા દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
જાતે જ રિટર્ન ફાઇલ કરવાની સુવિધા
ટેક્સ પ્લાનર વ્યક્તિગત કરદાતાઓને પર્સનલાઇઝ્ડ ડિડક્શન મેપિંગ, હાઉસિંગ રેન્ટ અલાઉન્સનું મૂલ્યાંકન અને અલગ-અલગ ટેક્સ રિજિમની સરખામણીઓ પૂરી પાડીને તેમની ભવિષ્યની કર જવાબદારીઓનો અંદાજ લગાવવા અને કરભારણ ઘટાડવામાં મદદ કરે છે. ટેક્સ ફાઇલિંગ ફીચર યુઝર્સને જાતે જ રિટર્ન ફાઇલ કરવાની અથવા નિષ્ણાતની મદદથી ફાઇલિંગ કરવાના ઓપ્શન્સ આપે છે, જેમાં સેલ્ફ-સર્વિસ ઓપ્શન્સ માટેના પ્લાન્સ ₹24થી શરૂ થાય છે અને અસિસ્ટેડ ઓપ્શન્સ માટેના પ્લાન્સ ₹999થી શરૂ થાય છે.
જટિલતાને દૂર કરવાનો અમારો ઉદ્દેશ્યઃ હિતેશ સેઠિયા
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ હિતેશ સેઠિયાએ જણાવ્યું કે, “ટેક્સ ફાઇલિંગની ડેડલાઇન નજીક આવી રહી છે ત્યારે ઘણા લોકો ટેક્સ ફાઇલિંગ સાથે જે જટિલતાને જોડે છે તેને દૂર કરવાનો અમારો ઉદ્દેશ્ય છે. અસરકારક ટેક્સ પ્લાનિંગ સેવાઓ સાથે ગ્રાહકોને સશક્ત બનાવવા પણ એટલું જ મહત્વનું છે, જેનાથી તેઓ સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન તેમની ટેક્સ જવાબદારીને ઓછી કરી શકે અને તેના પર નજર રાખી શકે.
આ સેવાને જિયોફાઇનાન્સ એપ સાથે જોડવાથી નિષ્ણાત સહાય, સ્પષ્ટ સમજ અને પારદર્શક કિંમતો સાથે ટેક્સ ટ્રાન્ઝેક્શન્સ માટે અડચણ વગરનો અનુભવ મળશે. આ મોડ્યુલનું લોન્ચિંગ ભારતીયોને દરરોજ સશક્ત બનાવતા સુલભ, ડિજિટલ-ફર્સ્ટ ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ આપવાના અમારા પ્રયાસમાં વધુ એક પરિમાણ ઉમેરે છે.”
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતને યુદ્ધની ખોખલી ધમકી આપી છે. તેમનું કહેવું છે કે, જો ભારત સિંધુ જળ સંધિને સ્થગિત રાખે છે અને સિંધુ નદી પર ડેમ બનાવવાનો પ્રયાસ કરે છે, તો પરિસ્થિતિ યુદ્ધ સુધી પહોંચી શકે છે.
બિલાવલે આ નિવેદન હઝરત શાહ અબ્દુલ લતીફ ભિટ્ટાઈના 282માં ઉર્સ દરમિયાન, ભીત શાહમાં આયોજિત ‘શાહ લતીફ પુરસ્કાર’ સમારોહમાં આપ્યું હતું. જણાવી દઈએ કે, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ આકરાં પગલાં ભર્યા હતા, જેમાં સિંધુ જળ સંધિને રોકવાનું પણ સામેલ હતું. આ પગલાંથી પાકિસ્તાન હડધૂત થયું છે.
7 મેના રોજ ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કરી તેને પૂર્ણ રીતે નષ્ટ કરી દીધા. આ પાકિસ્તાન માટે મોટો ઝટકો હતો. જો કે, 10મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયું હતું.
અડધી સદી બાદ પણ સ્વજનોને ગુમાવનાર પીડિતોની આંખ સતત ભીંજાયેલી હોવાનો અહેસાસ, કાળની થપાટને પાછળ છોડી ખમીરવંતી પ્રજાએ મોરબીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતુ કર્યુ : હોનારતમાં આશરો ગુમાવનાર આજે દેશના દરેક રાજ્યના લોકોનો ઓટલો અને રોટલો બની મોરબી
મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળો ઇતિહાસ તરીકે ઓળખાતી અને વિશ્વની સૌથી મોટી જળપ્રલય ઘટના પૈકીની એક 11 ઓગસ્ટ, 1979ની મચ્છુ જળપ્રલય દુર્ઘટનાએ મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ વેર્યો હતો. હજારો લોકોને મચ્છુના પુરે મોતની આગોશમાં સમાવી લીધા હતા અને સેંકડો પશુઓ પુરના તણાયા હતા.
સેંકડો મકાનો તથા ઇમારતો ધરાશયી થઇ હતી. ચારેકોર લટકતી માનવો તથા પશુઓની લાશ, સ્વજનોની યાદમાં ચોધાર આંસુએ રડતા આપ્તજનો તથા મૃત્યુ પામેલી માતા પાછળ રુદન કરતા બાળકોની ચિચિયારીઓથી મોરબી ખોફનાક સન્નાટાનું શહેર બની ગયું હતું.
મોરબી પુર હોનારત વખતે મોરબી મા નળીયા મોઝેક ટાઈલસ ને ઘડીયાલ ઉદ્યોગ અસ્તિત્વ મા હતો જેને પણ પારાવાર નુકશાની પહોચી હતી જે બિહામણી સ્મૃતિઓ છોડી જનાર જળપ્રલયની આજે 46 વરસી છે ત્યારે પૂરગ્રસ્તોની આંખોમાંથી આજે પણ આંસુના પુર વહે છે.
11 ઓગસ્ટ, 1979ના દિવસની વાત કરીએ તો એ દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન હતું, પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-2 ડેમ તૂટવાની સાથે મોરબીમાં રીતસર મોતનું તાંડવ સર્જાયું હતું. મચ્છુના પૂર્ણ રાક્ષસી કાળના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટકતાની સાથે મોરબી એકઝાટકે તબાહ થઇ ગયું હતું.
ઘણા લોકોને તો બચવાની તક પણ મળી ન હતી. સેંકડો મકાનો, મોટી મોટી ઈમારતોને મચ્છુના પુરે એક ઝાટકે તહસનહસ કરી દીધા હતા. જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મચ્છુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકો ઉંચાઈવાળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ, મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત કરાયેલા અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટ્યા હતા.
મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ કરૂૂણ અને ગોઝારી કહી શકાય તેવી આ ઘટનાની ભયાનકતા અને તબાહીની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે. પરંતુ એ દિવસે મચ્છુએ જે વિનાશ વર્ષો તેના લાચારી અને ભયાનકતાના દ્રશ્યો ભલભલાને કમકમાટી ઉપજાવી હતી
સેંકડો માનવ મૃતદેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, હજારો જાનવરોના કોહવાય ગયેલા મૃતદેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબીવાસીઓની આંખમાં ડોકાતો ભય, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીચીયારીઓના દર્દનાક આવાજોથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું હતું
મચ્છુ જળ હોનારતમાં હજારો લોકો તથા પશુના મોત થયા હતા તેમજ સેંકડો ઝુંપડા મકાનો અને મોટી ઇમારતો નાશ પામી હતી. જોકે, જળહોનારતની ઘટના બાદ મોરબીને બેઠું કરવા એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ જસભાઈ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પૂરગ્રસ્તોમાટે અસરકારક કામગીરી કરી હતી. ત્યારબાદ ફિનીક્સ પંખીની મારફત બેઠા થઈને મોરબી શહેરે ખુમારી અને જિંદાદિલીથી આ શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું કરી દીધું છે. આ જળપ્રલય દુર્ઘટનાની આજે 46 મી વરસી છે. ત્યારે હોનારતમાં નજર સામે ગુમાવેલા સ્વજનોની ભયાનક ક્ષણ યાદ આવતા અસરગ્રસ્તોની આંખમાંથી ભય સાથે આંસુના પૂર આજે પણ જોવા મળે છે
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાની શાળાઓમાં બાળકો અને શિક્ષકો દ્વારા અનેક વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાની આશરે 800 જેટલી શાળાઓના બાળકો દ્વારા 15 હજાર જવાનોને પત્ર લખી તેમને બિરદાવવામાં આવ્યા છે.
હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર રાજ્યમાં બાળકો દ્વારા આપણી સરહદ પર રાત દિવસ જોયા વિના હંમેશા તૈનાત અને માતૃ ભૂમિની રક્ષા કરતા જવાનોના શોર્ય, માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને દેશદાઝ માટે તેમને બિરદાવવા પત્રો લખવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રવૃત્તિમાં અત્યારે સુધી મોરબીની આશરે 800 જેટલી શાળાઓ જોડાઈ છે અને આ શાળાઓના બાળકો દ્વારા 15 હજાર જવાનોને પત્ર લખવામાં આવ્યા છે.
મોરબી જિલ્લાની વિવિધ સરકારી અને ખાનગી શાળાઓએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો જાહેર માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશભક્તિના નારા તથા તિરંગા સાથે રેલી યોજી લોકોને તિરંગાના તને માન પ્રત્યે જાગૃત કરી રહ્યા છે અને લોકોમાં દેશભક્તિનો માહોલ બનાવી રહ્યા છે.
કેન્દ્ર સરકારે નવી જાતિગત જનગણનાનુ શિડયુલ જાહેર કર્યુ છે અને તે વિશે અનેકવિધ ખુલાસા-ટીપ્પણી થવા લાગી છે. વસતી ગણતરી દરમ્યાન આર્થિક-સામાજીક માપદંડોની પણ ચકાસણી કરવામાં આવ્યા છે અને તેમાં કેટલાંક નવા સવાલ પણ ઉમેરવામાં આવ્યા છે
વસતી ગણતરીની સમગ્ર કવાયતમાં 10 લાખ કર્મચારીઓને સામેલ કરવામાં આવનાર છે. જેઓ ઘેર-ઘેર જઈને પરિવાર-નાગરિકોની સંખ્યા ગણશે. ઉપરાંત ચોખા, ઘઉં, બાજરો, જુવાર, મકાઈ જેવા કયા અનાજનો વધુ ઉપયોગ કરો છો? તેવો સવાલ પણ પુછવામાં આવશે. દોઢ દાયકા બાદ વસતી ગણતરી થવાની છે.
આ દરમ્યાન લોકોના જીવન ધોરણ ઉપરાંત સુખ સુવિધા તથા સંશોધનોમાં મોટો બદલાવ આવ્યો છે. જુદા-જુદા સવાલો મારફત યોજનાઓના પ્રભાવ પણ ચકાસવામાં આવશે.
લોકો બોટલના પાણીનો કેટલો ઉપયોગ કરે છે, રાંધણગેસ-પીએનજી કનેકશનના સવાલ પણ હશે. સોલારનો ઉપયોગ પણ ચકાસાશે. અગાઉની વસતી ગણતરીમાં ટીવી-રેડિયોની સુવિધા વિશે સવાલ થતા હતા. આ વખતે ફ્રી-ડીશ, ડીટીએચ કે કેબલ કનેકશન વિશે સવાલ કરવામાં આવશે.
આ સિવાય પ્રથમ વખત એસીડ એટેકનો શિકાર બનેલા લોકોની પણ અલગથી ગણતરી કરવામાં આવશે. આ સિવાય જ્ઞાનતંતુના જટિલ રોગ ધરાવતા લોકો તથા બ્લડ ડીસઓર્ડર ધરાવતા લોકોની પણ અલગથી ગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત હિજરતી લોકોની વસતી ગણતરી કરવા સાથે તેનું કારણ ચકાસવા કુદરતી આફતોની પણ ચકાસણી થશે.
ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધરા ધ્રૂજી છે. તાલાલા ગીર પંથકમાં 9:15 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 19 કિમી ઈસ્ટ નોર્થ ઈસ્ટ નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. મોટા ધડાકાનો અવાજ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. તલાલા અને ગીર આસપાસના ગામડામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
તલાલા અને ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગીર સોમનાથના તલાલા અને ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મોટા ધડાકા સાથે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય માહોલ ફેલાયો હતો. ધડાકાનો અવાજ આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. તલાલા અને ગીર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.
રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાથી 19 કિ.મી દૂર નોંધાયું છે. ભૂકંપમાં કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન થયાના હજુ સુધી કોઈ પુરાવા કે અહેવાલ મળ્યા નથી.
રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાથી 19 કિ.મી દૂર નોંધાયું છે. ભૂકંપમાં કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન થયાના હજુ સુધી કોઈ પુરાવા કે અહેવાલ મળ્યા નથી.