ઘરેલુ ઉત્પાદન અને આયાત વધારાઈ હોવા છતાં પણ ઘરઆંગણે એલપીજી સપ્લાય પુરેપુરી થઈ શકતી નથી
ઈરાન યુદ્ધના કારણે ગલ્ફનો પુરવઠો ઠપ્પ થતા વધુ 10થી15 દેશોમાંથી આયાત કરવામાં આવી
ઈરાન યુદ્ધના કારણે ભારતના પેટ્રોલિયમ પેદાશો અને ખાસ કરીને ગેસમાં એલપીજી સપ્લાયની ચિંતા આ મહિને વધે તેવા સંકેત છે. મે મહિનામાં દેશમાં અંદાજે 9 લાખ ટન એલપીજીનો પુરવઠો ઓછો ઉપલબ્ધ બને તેવી ધારણા છે.
ઘરેલુ ઉત્પાદન 40 ટકા જેટલુ વધ્યુ છે અને માર્ચ માસમાં 10 લાખ ટન એલપીજીની શોર્ટેજ હતી. પરંતુ વૈશ્વિક સ્તરે ભારતે અન્ય દેશોમાંથી એલપીજી આયાત કરી અને ઘરેલુ ઉત્પાદનમાં જે થોડો વધારો થયો તેના કારણે એપ્રિલ માસમાં થોડી રાહત હતી. પરંતુ મે માસમાં ચિંતા વધે તેવી શકયતા છે.
ભારતે રશિયા, અમેરિકા સહિતના દેશો પાસેથી એલપીજી આયાત વધારી છે. ડોમેસ્ટીક એલપીજી ઉત્પાદન માર્ચ 2025માં જે 1.1 મિલિયન મેટ્રીક ટન હતું તે માર્ચ 2026માં 1.4 મીલીયન મેટ્રીક ટન થયું જે અંદાજે 27 ટકાનો વધારો થાય છે અને દૈનિક 50 હજાર ટનનું ઉત્પાદન થશે તેવો અંદાજ છે.
ખાસ કરીને નાયરાની એનર્જી રિફાઈનરી ઉત્પાદન શરુ કરે તે મહત્વનું છે. ભારતે અંદાજે 10થી15 દેશો પાસેથી એલપીજી આયાત કરી છે. જે દેશ ઓફર કરે ત્યાંથી એલપીજી આયાત થઈ રહી છે.
સરકાર આ ઉપરાંત વૈકલ્પિક ફયુલનો વપરાશ વધે તે પણ જોઈ રહી છે અને તેથી હાલ સપ્લાય ચેઈન જાળવવામાં સફળતા મળી છે. જો કે હોટેલ-રેસ્ટોરા વગેરેને ઉનાળાના સીઝન દરમ્યાન એલપીજી પુરુ પાડવુ એ સૌથી મોટો પડકાર બની રહેશે.
