રક્ષાબંધન – નવરાત્રીમાં ચાંદીના ઘરેણાની ડિમાન્ડ વધુ રહેવાની ગણતરીએ ઉત્પાદકોને અત્યારથી જ ઓર્ડર વધવા લાગ્યા

સોનાના ભાવ વખતથી એક લાખને પાર છે અને સામાન્ય લોકોની પહોંચની બહાર છે. તેવા સમયે ચાંદીની ચમક વધવા લાગી છે. અત્યાર સુધી માત્ર સોનાના દાગીનાનો જ મોહ રાખતા લોકો હવે ચાંદીના ઘરેણા તરફ પણ રસ લેવા માંગતા ઝવેરીઓ પણ મેદાનમાં આવ્યા છે. અનેક જવેલર્સોએ સોનાની સાથે ચાંદીના ઘરેણાના પણ ખાસ કાઉન્ટર ખોલી નાખ્યા છે.

આવતા દિવસોમાં રક્ષાબંધન અને ત્યારબાદ નવરાત્રી-દિવાળીના તહેવારો આવવાના છે તે પૂર્વે ચાંદી તરફ ખાસ ફોકસ શરૂ થયુ છે. રાજકોટ, અમદાવાદ, સહિત ગુજરાતનાં મોટા જવેલર્સોનાં શો-રૂમમાં પણ સોનાની સાથે ચાંદીના ઘરેણાનાં ખાસ કાઉન્ટર શરૂ થવા લાગ્યા છે.

અમુક કિસ્સામાં તો માત્ર ચાંદીના દાગીનાના જ શો-રૂમ ખુલવા લાગ્યા છે. અમદાવાદનાં જાણીતા જવેલર્સ મનોજ સોનીએ કહ્યું કે હવે પોતાના શો-રૂમમાં ચાંદીનાં ઘરેણાનું ખાસ કાઉન્ટર શરૂ કરવાની ફરજ પડી છે.

નવરાત્રી પુર્વે રાસ ગરબાનાં ખેલૈયાઓની મોટી ડીમાંડ રહેવાના સંકેત છે.રોજબરોજનાં ઉપયોગમાં આવી શકે તેમ ઈટાલીયન મશીનથી બનેલા દાગીનાનો ટ્રેન્ડ છે. ગ્રાહકો વ્યાજબી કિંમતમાં સ્ટાઈલીશ દાગીનાનો ટ્રેન્ડ છે.

સોનાના ભાવ હાલ એક લાખથી અધિક છે. ચાંદીનો ભાવ 1.14 લાખનો છે.જોકે, સોનાનો આ ભાવ દસ ગ્રામનો છે. જયારે ચાંદીનો એક કિલોનો છે. સોનુ ઘણુ મોંઘુ હોવાનું સ્પષ્ટ છે.એટલે ગ્રાહકો વિકલ્પમાં ચાંદીની જવેલરી પસંદ કરવા લાગ્યા છે. 20-25 હજારમાં દાગીના મળી શકે. જયારે સોનામા સવા-દોઢ લાખ ખર્ચવા પડે.

અમદાવાદ જવેલર્સ એસોસીએશનના પૂર્વ પ્રમુખ રોહીત ઝવેરીએ તો એમ કહ્યું કે સોનાના દાગીનાનો સ્ટોક ઘટાડીને ચાંદીનો સ્ટોક ડબલ કરી દેવામાં આવ્યો જ છે. એટલુ જ નહિં ચાંદીના દાગીનાં માટે જ ખાસ સ્ટુડીયો સ્ટાઈલ શો-રૂમ શરૂ કર્યો છે. ચાંદીના દાગીનામાં પણ વેરાયટી આવવા લાગી છે.

જવેલર્સોના કહેવા પ્રમાણે ચાંદીમાં પણ જયપુરી જવેલરી ઉપરાંત જડતર-હીરાજડીત દાગીનાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. સોનાની સરખામણીએ ચાંદીમાં ઘડામણ ચાર્જ પણ મામુલી હોય છે તેને કારણે પણ કિંમતમાં મોટો ફેર પડી જતો હોય છે. અત્યાર સુધી ચાંદીની વીંટી કે બ્રેસલેટ જેવા નાના દાગીના ગણ્યાગાંઠયા નાના ઝવેરીઓ જ રાખતા હતા પરંતુ હવે મોટા શો-રૂમનાં ચાંદીના કાઉન્ટરમાં જ પણ આવા લાગ્યા છે.

જવેલર્સો રૂા.2000 થી 10,000 ની કિંમતની ચાંદીનાં દાગીનાની વેરાયટી પણ રાખવા લાગ્યા છે. રક્ષાબંધન તથા નવરાત્રીમાં આ પ્રકારનાં દાગીનાની મોટી ડીમાંડ નિકળવાનો આશાવાદ છે.

સોની વેપારીઓનાં કહેવા પ્રમાણે ગીફટમાં સોનુ આપવુ હવે પોસાય તેમ નથી ત્યારે લોકોમાં ચાંદીનાં ગીફટ આર્ટીકલ્સનો ટ્રેન્ડ છે. ચાંદીના દાગીનાના સ્ટોક વધવાની સાથોસાથ નવા કાઉન્ટર પણ શરૂ થયા હોવાનું સૂચક છે.

સ્થાનિક ઝવેરીઓએ સ્વીકાર્યું કે છેલ્લા થોડા વખતથી ચાંદીની ડીમાંડ વધી ગઈ છે.ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં સોના કરતા ચાંદીમાં અધિક ભાવ વધારો થયાનું સુચક છે. ચાંદીનો ભાવ સવા લાખ થવાનું અગાઉ જ અનુમાન દર્શાવાતુ હતું તે 1.15 લાખ પર પહોંચી જ ગયો છે.





















