HomeAllચાંદી `રોકેટ'! રાજકોટમાં 1.70 લાખ, અમદાવાદમાં 1.74 લાખ તથા ચેન્નઈમાં 1.84 લાખ

ચાંદી `રોકેટ’! રાજકોટમાં 1.70 લાખ, અમદાવાદમાં 1.74 લાખ તથા ચેન્નઈમાં 1.84 લાખ

સોનામાં એકાદ દિવસ મામુલી કલેકશન આવ્યા બાદ ફરી ભાવ સળગ્યા હતા. ચીન સાથે અમેરિકાના નવા ટેરિફવોરથી મોડીરાત્રે વિશ્વબજારમાં ભાવ ઉછળ્યા હતા. લોકલમાં 1550 રૂપિયાનો ભાવવધારો હતો.

રાજકોટમાં હાજર સોનુ 126350 સાંપડયુ હતું. વિશ્વબજારમાં મોડીરાત્રે તોફાની મુવમેન્ટ થઈ હતી. એક તબકકે ભાવ 3980 ડોલરે સરકી ગયા બાદ ફરી ઉછળીને 4018 ડોલર થયો હતો. અમેરિકાએ ચીન પર 100 ટકા ટેરિફ ઝીંકયા છે તેની નવા સપ્તાહમાં વધુ અસર થઈ શકે અને ભાવ વધી શકે તેવી અટકળો છે. બીજી તરફ હાજર ચાંદી 170000 હતી. વિશ્વબજારમાં ભાવ 49.96 ડોલર હતો.

વેપારીઓના કહેવા પ્રમાણે સોના-ચાંદીમાં તેજી માટેના નવા-નવા કારણો ઉભા થઈ રહ્યા છે. ટ્રેન્ડ તેજીનો છે અને તેવામાં નવા કારણોથી ભાવ વધુ ભડકી રહ્યા છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ ખત્મ થવા છતાં રશિયા-યુક્રેન યુદ્ધ અટકતુ નથી. વૈશ્વિક આર્થિક-ભૌગોલિક ટેન્શન  અસરકર્તા છે. ટેરિફવોર, સેન્ટ્રલ બેંકોની ખરીદી જેવા કારણોનો તેજી તરફી પ્રભાવ યથાવત છે.

આવતા સપ્તાહમાં પુષ્પ નક્ષત્ર તથા ધનતેરસના પવિત્ર દિવસ આવવાના છે. સામાન્ય રીતે આ દિવસોમાં ધૂમ ખરીદી થતી હોય છે. આ વખતે ઉંચા ભાવને ધ્યાને લેતા ખરીદી કેટલા અંશે પ્રભાવિત થાય છે તેના પર મીટ મંડાયેલી છે.

દરમ્યાન ચાંદીમાં અછતની સ્થિતિ યથાવત છે પરિણામે દરેક સેન્ટરમાં જુદા-જુદા ભાવ બોલાય રહ્યા છે.  રાજકોટમાં 1.70 લાખ ભાવ હતો જયારે તામીલનાડુના ચેન્નઈમાં ભાવ 1.84 લાખને આંબી ગયો હતો. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, હૈદ્રાબાદ સહિતના સેન્ટરોમાં જુદા-જુદા ભાવ હતા. ચેન્નઈ-હૈદ્રાબાદમાં કિંમત 1,84,000ના સ્તરે પહોંચી હતી. જયારે મુંબઈ, દિલ્હી, અમદાવાદ, કોલકતા, બેંગ્લોર, જયપુર સહિતના સેન્ટરોમાં ભાવ 1,74,000ના સ્તરે રહ્યા હતા.

વેપારીઓના કહેવા પ્રમાણે ફીઝીકલ ચાંદીની અછતના કારણે ભાવ જુદા-જુદા બોલાય રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એકધારી તેજી વચ્ચે ચાંદીમાં છેલ્લા એકાદ સપ્તાહથી અછત છે. ઓર્ડરની ડીલીવરી આવતા 4થી7 દિવસ લાગી જાય છે અને તે દરમ્યાન ભાવમાં ઉથલપાથલ થઈ જાય છે.

આ પ્રકારની જોખમી સ્થિતિમાં જવેલર્સોએ ઓર્ડર તથા બુકીંગ અટકાવી દીધા છે. બે દિવસથી ચાંદીમાં વેપાર ઠપ્પની હાલત છે. પરિણામે દરેક સેન્ટરમાં ભાવ જુદા છે. એક જ સપ્તાહમાં ચાંદીમાં 19000નો ભાવવધારો થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!