HomeAllચાંદીમાં ભારે તેજી! સતત બીજા દિવસે રૅકોર્ડ તૂટ્યો, કિંમત ફરી ઑલ ટાઇમ...

ચાંદીમાં ભારે તેજી! સતત બીજા દિવસે રૅકોર્ડ તૂટ્યો, કિંમત ફરી ઑલ ટાઇમ હાઇ

દિવસ રાત જાણે ચાંદી અને સોનાના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે. સોનું અને ચાંદી લેવું અનેક લોકો માટે સપના સમાન બની ગયું છે. ત્યારે આજે 18 ડિસેમ્બરના રોજ સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં જંગી વધારો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ ચાંદીનો ભાવ આજે 1609 રૂપિયા વધી જતાં હવે એક કિલો ચાંદીના ભાવ  2,01,250 પહોંચી ગયો છે જે ઓલ ટાઇમ હાઇ છે. મહત્ત્વનું છે કે 17 ડિસેમ્બરના રોજ 1,99,641 પર બજાર બંધ થયું હતું.

ગઇકાલે 17 ડિસેમ્બરે પહેલી વખત ચાંદીની કિંમત 2 લાખને આંબી હતી. ચાલુ વર્ષે (2025) ચાંદીની કિંમત લગભગ 1,15,233  રૂપિયા વધી છે.

ચાંદીમાં તેજીના કારણો શું?

ઔધોગિક માંગ: જેમ કે સોલર, ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રિક વાહનો જેવા વિભાગોમાં મોટા પાયે ચાંદીનો ઉપયોગ થવા લાગ્યો છે હવે ચાંદી માત્ર ઘરેણાં પૂરતી સીમિત રહી નથી

ટ્રમ્પના ટેરિફ:  અમેરિકાની કંપનીઓ સંભવિત ટેરિફ પોલિસીના ડરથી ચાંદીનો ભારે સ્ટોક જમા કરી રહી છે. જેથી વૈશ્વિક હેરાફેરીમાં કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ છે.

આગોતરું ઉત્પાદન બંધ થવાની ભીતિ:  ઉત્પાદકોને ભય છે કે ચાંદીની આગોતરી ખરીદી ગમે ત્યારે બંધ થઈ શકે છે જેથી તે અગાઉથી ખરીદી કરી રહ્યા છે, આ પણ તેજીના ટ્રેન્ડનું કારણ છે.

રોકાણમાં વધારો: રોકાણકારો ચાંદી ETF દ્વારા ચાંદીમાં તેમનું રોકાણ સતત વધારી રહ્યા છે, જેના કારણે માગ વધુ મજબૂત બની ગઈ છે.

એક વર્ષમાં સોના ચાંદીના ભાવ કેટલા વધ્યા?

એ પણ જણાવી દઈએ કે આજે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 137 રૂપિયા વધીને 1.32 લાખ રૂપિયા થયો ગઈકાલે, 17 ડિસેમ્બરે તે ₹1,32,317 પર હતો. 15 ડિસેમ્બરે સોનું  ₹1,33,442 પ્રતિ 10 ગ્રામની ઓલ ટાઇમ હાઇ હતું. આ વર્ષે સોનું 56,292 તો ચાંદી 1,15,233  રૂપિયા મોંઘી થઈ, 31 ડિસેમ્બર 2024ના રોજ સોનાનો ભાવ 76,162 રૂપિયા હતો જે હવે 1,32,454 છે, તો 31 ડિસેમ્બર 2024ના રોજ ચાંદીનો ભાવ 86,017 પ્રતિ કિલો હતો જે હવે 2,01,250 થઈ ગયો છે.

હાલ ચાંદી લેવાય કે નહીં?

હાલ લોકોનો મનમાં એક સવાલ સતત થઈ રહ્યો છે કે ચાંદી હજુ મોંઘી થશે લેવાય કે નહીં ? ત્યારે નિષ્ણાતો માને છે કે ચાંદીની માગ હજુ પણ વધી શકે છે એટલે કે ભાવમાં વધારો થઈ શકે છે. ચાંદીના ભાવ વર્ષ 2026માં 2.50 લાખથી વધુ જઈ શકે છે. હાલ ખરીદીનો પ્લાન હોય તો આવનાર સમયને જોતાં તે સસ્તી પડી શકે એટલે ખરીદવી હિતાવહ છે.

(DISCLAIMER : બિઝનેસને લગતી આ સ્ટોરી ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે, ગુજરાત સમાચાર કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!