
ઓપન એઆઈએ `ચેટજીપીટી હેલ્થ’ નામથી ચેટજીપીટીનું એક નવું હેલ્થ-ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર દ્વારા લોકોને તેમનાં સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે.
તમારા સ્વાસ્થ્યનો સમગ્ર ડેટા એક જગ્યાએ રહેશે. ફિટનેસ એપ્સ પણ ચેટજીપીટી હેલ્થ સાથે જોડાઈ શકશે.

આ નવું ફીચર શું કરી શકે છે
– ચેટજીપીટી હેલ્થમાં તમે આરોગ્ય સાથે જોડાયેલા અનેક કામ કરી શકશો
– મેડિકલ રેકોર્ડ જેમ કે ટેસ્ટ રિપોર્ટ, ડોક્ટરની માહિતી ઉમેરી શકશો

– વેલનેસ અને ફિટનેસ એપ્સ જોડી શકશો
– તમારી ઘડિયાળ, ફોનનો ડેટા જોડાઈ શકશે

આ ડોક્ટરની જગ્યાએ નહીં લે
આ ડોક્ટરનો વિકલ્પ નથી. તેનું કામ રોજિંદા હેલ્થ સંબંધિત પ્રશ્નો સમજાવવું, રિપોર્ટ્સ સમજવામાં મદદ કરવી અને યુઝરને વધુ માહિતી તથા આત્મવિશ્વાસ આપવાનું છે. હાલમાં આ અમેરિકામાં લોન્ચ થયું છે. પરંતુ થોડા મહિનામાં ભારત સહિત અનેક દેશોમાં તેને લોન્ચ કરવાની તૈયારી છે.

અન્ય ચેટથી અલગ રહેશે હેલ્થની વાતચીત
ઓપન એઆઈએ કહ્યું છે કે યુઝરનો ડેટા સુરક્ષિત રહેશે. ચેટજીપીટી હેલ્થ માટે અલગ, સુરક્ષિત સેકશન રહેશે. હેલ્થ સંબંધિત ચેટ્સ અન્ય ચેટ્સથી અલગ રહેશે. એઆઈને ટ્રેનિંગ આપવા માટે તેનો ઉપયોગ નહીં થાય. ખાસ એન્ક્રિપ્શન અને સિક્યુરિટી સિસ્ટમ લગાવવામાં આવ્યા છે. તમારી હેલ્થ માહિતી તમારા નિયંત્રણમાં રહેશે.

ડોક્ટર વિના ચાલતું એઆઈ ક્લિનિક
ચીનમાં પ્રથમ વખત ખુલેલું, સોશિયલ મીડિયા પર ચીનનું એક એવું ક્લિનિક વાયરલ થઈ રહ્યું છે, જેણે આખી દુનિયાને આશ્ચર્યમાં મુકી દીધી છે. આ હોસ્પિટલની સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં કોઈ ડોક્ટર હાજર નથી, છતાં દર્દીનો સંપૂર્ણ ઈલાજ થઈ જાય છે અને દવાઓ પણ તરત મળી જાય છે.

આ ચીનનું એઆઈ પાવર્ડ મેડિકલ કિયોસ્ક છે, જે દેખાવમાં એક નાનું ક્લિનિક લાગે છે. તેમાં પ્રવેશતાં જ દર્દીને કોઈ માણસ સાથે નહીં, પરંતુ એક એઆઈ સિસ્ટમ સાથે વાત કરવી પડે છે.

મસ્ક ડેટા સેન્ટરમાં કરશે વધુ રોકાણ
એલન મસ્કની એઆઈ કંપની એક્સએઆઈએ 1,65,000 કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે. આ ભારે ભરખમ રોકાણની મદદથી મસ્ક એઆઈ ડેટા સેન્ટર બનાવશે. તે ઉપરાંત તેનો કેટલાક હિસ્સો ગ્રોક ચેટબોટમાં પણ લગાવવામાં આવશે, જેથી તે વધુ સારી રીતે કામ કરી શકે. આપત્તિજનક તસવીરો બનાવવાનાં મુદ્દે મસ્કનો ગ્રોક ચેટબોટ આજકાલ ચર્ચામાં છે.

મસ્કની કોશિશ ઓપનએઆઈના ચેટબોટ ચેટજીપીટીને કડક ટક્કર આપવાની છે. એક્સએઆઈએ તાજેતરમાં સિરીઝ E નામની ફંડિંગ રાઉન્ડમાં આ કરોડોનું રોકાણ મેળવ્યું છે.







