
દેશમાં સરકાર રાશનકાર્ડ ધારકોને મફતથી લઈને રાહતદરે અનાજ અને અન્ય આવશ્યક ચીજો પૂરી પાડે છે તે સમયે બોગસ રેશનકાર્ડ સહિતના મુદે હવે સરકારે આકરા નિર્ણય લીધા છે જેમાં તા.22ના રોજ કેન્દ્ર સરકારે જાહેર વિતરણ પ્રણાલી (નિયંત્રણ) સુધારા આદેશ જાહેર કર્યો છે.

જે મુજબ સતત છ મહિના સુધી રેશનકાર્ડ મારફત અનાજ નહિ લેનારના કાર્ડ એકટીવ રહેશે નહીં અને જો તે વ્યકિતએ ફરી કાર્ડ ચાલુ કરાવવું હોય તો ત્રણ મહિના પછી કેવાયસી મારફત તે કરી શકશે.

કેન્દ્ર સરકાર આગામી ત્રણ માસમાં ઘરે ઘરે જઈને રેશનકાર્ડની ચકાસણી કરશે અને કેવાયસી પણ કરશે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં મફત રાશન જેઓને પૂરૂ પડાય છે તેઓ પણ જો રેશનીંગનો જથ્થો નહીં ઉપાડે તો તેના કાર્ડ પણ રદ થઈ જશે.

દેશમાં અત્યારે 23 કરોડ રેશનકાર્ડ ધરાવે છે હવે તેની ચકાસણી થશે. જેમાં લાખો ડુપ્લીકેટ અથવા તો બોગસ રેશનકાર્ડ હોઈ શકે છે. ગત વર્ષે જ જે રીતે રેશનકાર્ડનું ડીજીટલકરણ થયું તેમાં 5.8 કરોડ બોગસ રેશનકાર્ડ રદ થયા હતા.

આ ઉપરાંત સરકાર હવે દર પાંચ વર્ષે રેશનકાર્ડની ચકાસણી કરશે. જે રીતે બિહારમાં મતદાર યાદી સુધારણા કામગીરી ચાલે છે તેમાં રેશનકાર્ડને પણ માન્ય પુરાવો ગણવાનો ચૂંટણીપંચે ઈન્કાર કર્યો છે.

























