
ચીનના માલસામાન પર અમેરિકાએ ૧૦૦ ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણય બાદ અમેરિકા સાથેની દ્વીપક્ષી વેપાર વાટાઘાટમાં સજાગ રહેવા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દ્વારા ભારતને સૂચન કરવામાં આવ્યું છે.અમેરિકા પર આધાર રાખ્યા વગર ભારતે પોતાની આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રીત કરવું રહ્યું તેવી પણ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના એક રિપોર્ટમાં સલાહ આપવામાં આવી છે.

ચીન તથા અમેરિકા વચ્ચે ટેરિફનું આ પગલું ઘણું જ આક્રમક છે. અમેરિકા સાથે વેપાર વાટાઘાટમાં ભારતે સાવચેતીપૂર્ણ આગળ વધવાનું રહેશે અને વાટાઘાટમાં સમાન શરતો પર આગળ વધવાનું રહેશે. અમેરિકા સાથે કોઈપણ કરાર અંતિમ નથી હોતા એવી પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

ભવિષ્યમાં વેપાર આંચકાઓ સામેથી દેશને સુરક્ષિત રાખવા મહત્વની ટેકનોલોજીઓ અને ખનિજતત્વોમાં ભારતે આત્મનિર્ભરતાને અગ્રતા આપવી રહી અને અમેરિકાની બદલાતી જતી નીતિઓ પર આધાર રાખવો જોઈએ નહીં.

પશ્ચિમ તથા બ્રિકસ બન્ને દેશો સાથે જોડાણો મજબૂત બાનવવા ભારતે તટસ્થ વલણ અપનાવવું રહ્યું. અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર તાણમાં ફરી વધારો થતા, વીજ વાહનો, વિન્ડ ટર્બાઈન્સ અને સેમીકન્ડકટર પાર્ટસની કિંમતો વધી જવાની ધારણાં છે.




















