HomeAllચોટીલામાં ગુજરાતની પહેલી ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડ શરૂ થશે : ભક્તોને 635 પગથિયાં...

ચોટીલામાં ગુજરાતની પહેલી ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડ શરૂ થશે : ભક્તોને 635 પગથિયાં ચડવાં નહીં પડે

રૂ.30માં માતાનાં દર્શન કરી પરત આવી શકાશે; 30 ટકા કામ પૂર્ણ : મંદિરનો સામાન પણ લઇ જવાશે

પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર પર ગુજરાતનો પ્રથમ ફ્યુનિક્યુલર કોચ સિસ્ટમ પ્રોજેક્ટ બની રહ્યો છે. આ રાઈડથી ભક્તો માત્ર પાંચ મિનિટમાં જ માં ચામુંડાના દ્વારે પહોંચી શકાશે. પ્રોજેક્ટ અંગે ચોટીલા મહંત મનસુખગિરિએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી ચૈત્ર નવરાત્રી સુધીમાં આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય તેવી આશા છે. પ્રોજેક્ટ વૃદ્ધ, અસક્ત અને બીમાર ભક્તો માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે તેમજ આના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે.

આ અંગે ચોટીલા મહંત મનસુખગિરિ ગોસાઈએ ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ચોટીલા ડુંગરના પગથિયા પાસે માત્ર 20 ફૂટ વિસ્તારમાં આ ફ્યુનિક્યુલર સિસ્ટમ કાર્યરત થશે. જેમાં ફ્યુનિક્યુલર કોચ (સિંગલ કોચવાળી ટ્રેન) જશે. આવા કુલ 6 કોચ ઉપર જશે અને છ કોચ નીચે આવશે, એમ કુલ 12 કોચ કાર્યરત થશે, જેમાં એક કોચમાં કુલ છ વ્યક્તિઓ બેસી શકશે. હાલમાં આ પ્રોજેક્ટનું 30થી 35 % કામ થઇ ગયું છે, આ પ્રોજેક્ટ પુરો થયા બાદ જેમાં એનું ડુંગર પર ચડવાનું ભાડું ટ્રસ્ટ દ્વારા રૂ. 30 પ્લસ જીએસટી સાથે વસૂલ કરવામાં આવશે.

વધુ વિગત આપતા ચોટીલા મહંતે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ પથ્થર સહિતનો વજનદાર સામગ્રી અને પૂજા વિધિની તમામ સામગ્રી આ કોચમાં લઇ જવાશે, જે હાલમાં ડુંગર ટ્રસ્ટના માણસો જાતે ડુંગર ચઢીને લઇ જવામાં આવશે, આમ આગામી ચૈત્ર નવરાત્રીથી લાખો શ્રદ્ધાળુઓ માટે આ નવું નજરાણું જોવા મળશે.

પવિત્ર યાત્રાધામ ચોટીલાના આ ડુંગર પર રોજના સરેરાશ 7,000થી 10,000 શ્રદ્ધાળુઓ દર્શને આવે છે અને ચૈત્ર નવરાત્રિમાં અંદાજે બેથી અઢી લાખ શ્રદ્ધાળુઓ ઊમટે છે અને દિવાળીથી પાંચમ સુધીમાં તો અંદાજે પાંચ લાખ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર અહીં ઊમટે છે, જેમાં આખા વર્ષમાં ભાઈ બીજના દિવસે અભૂતપૂર્વ ધસારો જોવા મળે છે.

નેશનલ હાઈવે પગપાળા સંઘોથી ઊભરાઈ જાય છે.

આ પૂનમના દિવસે ગુજરાતભરના અલગ અલગ ભાગોમાથી માતાજીનો રથ લઈને પગપાળા સંઘો માતાજીના દર્શને આવતા હોય છે. પૂનમ પહેલાના આઠ દિવસથી જ બગોદરાથી ચોટીલા તેમજ ઉતર ગુજરાત તરફના વિરમગામથી ચોટીલા સુધીના નેશનલ હાઈવે તથા સ્ટેટ રોડ રથ સાથેના પગપાળા સંઘોથી ઉભરાઈ જાય છે.

લગભગ દર એક કિલોમિટરના અંતરે સેવાભાવી મંડળો તથા રોડ પર આવતા ગામો દ્વારા ચા, પાણી, શરબત, નાસ્તો તથા ભોજન માટેના કેમ્પો શરૂ થઈ જાય છે. રોડ પરના ખેતર-વાડીના માલિકો-ખેડૂતો પણ પોતાના ખેતરમાં આ પગપાળા સંઘોને રાત્રિ રોકાણ માટે તેમજ દિવસ દરમિયાન આરામ માટે પોતાની યથાશક્તિ પ્રમાણે વ્યવસ્થા કરી આપતા હોય છે.

પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઊમટે છે

ગુજરાતના બધા જ મંદિરોમાં પૂનમના દિવસે ખૂબ જ મોટી સંખ્યામા યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે. યાત્રાધામ ચોટીલામા પણ દર પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઊમટતું હોય છે. ચોટીલા મંદિરે વર્ષની 12 પૂનમોમા સૌથી વધારે ભીડ બે પૂનમ દરમિયાન રહેતી હોય છે. એક કારતક માસની પૂનમ અને બીજી ચૈત્ર માસની પૂનમ. આજે ચૈત્ર માસની પૂનમ છે. ચૈત્રી પૂનમ અન્ય પૂનમથી થોડી અલગ હોય છે.

ચોટીલા ચામુંડા મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું જગપ્રસિદ્ધ ધામ ચોટીલા.જ્યાં બેસણાં છે મા ચામુંડાના. માતા ચામુંડા 64 જોગણીઓ પૈકીનો એક અવતાર છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવતા ચોટીલાના ડુંગર પર બિરાજમાન મા ચામુંડા ભક્તોના દુઃખ દર્દ દૂર કરે છે.

માતાજીના દર્શન કરવા રોજ હજારો ભક્તો અહીં આવે છે. ખાસ કરીને શક્તિના પર્વ નવરાત્રિના દિવસોમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં , ગુજરાત બહારના લોકો પણ માતાજીના દર્શને આવે છે.

ચોટીલાનો વર્ષો જૂનો ઈતિહાસ

ચોટીલાનો ઈતિહાસ ઘણાં વર્ષો પહેલાંનો છે. એવું કહેવાય છે કે, હજારો વર્ષો પહેલાં પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો ત્રાસ હતો. બંને રાક્ષસોથી પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી હતી. ઋષિ-મુનિઓને પણ રાક્ષસો ખૂબ રંજાડતા.

બંને રાક્ષસોથી પરેશાન થઈ ગયેલા ઋષિમુનિઓએ રાક્ષસોથી બચવા માટે માતાજીની આરાધના કરી. યજ્ઞ કરીને માતાજીનું આહ્વાન કર્યું અને હવન કુંડમાંથી એક ચમત્કારિક દિવ્ય તેજ રૂપે મા આદ્યશક્તિનું પ્રાગટ્ય થયું.

આ આદ્યશક્તિએ અલગ અલગ બે સ્વરૂપ લઈને ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોનો વધ કર્યો. ત્યારથી માતાજી ચંડી અને ચામુંડા તરીકે ઓળખાયા અને ચોટીલાના ડુંગર પર જોડિયા સ્વરૂપે બિરાજમાન થયા. તેથી અહીં માતાજીના બે મુખ આપણને જોવા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!