
આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી છે. ફરી હિંદુઓને નિશાન બનાવીને હુમલા શરૂૂ થયા છે અને 10 દિવસના ગાળામાં જ બીજા હિંદુ યુવકની હત્યા કરી દેવાઈ. આઘાતજનક વાત એ છે કે, બાંગ્લાદેશમાં હિંદુઓનું નિકંદન કઢાઈ રહ્યું રહ્યું છે અને આપણી હિંદુવાદી સરકાર બાંગ્લાદેશના હાઈ કમિશનરને બોલાવીને ઠપકો ઠપકો રમી રહી છે.

હિંદુઓના હામી હોવાનો દાવો કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિતના કહેવાતાં હિંદુવાદી સંગઠનોના નેતા બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર-હુમલા અંગે ચિંતા વ્યક્ત કરીને સંતોષ માની રહ્યા છે અને આ સંગઠનોના કાર્યકરો દિલ્હીમાં બાંગ્લાદેશી હાઈ કમિશનની ઓફિસ સામે દેખાવો કરીને રાજી થઈ રહ્યા છે.

એક્શનની જરૂૂર બાંગ્લાદેશમાં છે ત્યારે દિલ્હીમાં ભવાડા કરાઈ રહ્યા છે. બાંગ્લાદેશી હિંદુઓને બચાવવા માટે આક્રમક બનવાના બદલે ઠાલી ચીમકીઓ આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. ગયા વરસે જુલાઈમાં શેખ હસીનાને ઉથલાવી દેવાયાં ત્યારથી હિંદુઓ પર સતત હુમલા અને અત્યાચારો થઈ રહ્યા છે પણ દોઢ વર્ષમાં કેન્દ્ર સરકાર અને કહેવાતાં હિંદુવાદી સંગઠનોએ થૂંક ઉડાડવા સિવાય કશું કર્યું નથી.

હવે ફરી હિંસા ભડકી છે ત્યારે ફરી એ જ નિષ્ક્રિયતાનાં દર્શન થઈ રહ્યાં છે.શરમજનક વાત એ છે કે, દીપુ ચંદ્ર દાસ નામના હિંદુ યુવકની હત્યા પછી ભારતે બાંગ્લાદેશના દિલ્હી ખાતેના હાઈ કમિશનર એમ. હમિદુલાહ રિયાઝને બોલાવીને હિંદુઓ પરના અત્યાચાર રોકવા કહેલું એ છતાં હુમલા ચાલુ રહેતાં બે દિવસ પહેલાં રિયાઝને ફરી બોલાવીને હુમલા રોકવા ચીમકી અપાયેલી. આ ચીમકીની કોઈ અસર થઈ નથી, બલકે બીજા હિંદુ યુવકને મોતને ઘાટ ઉતારીને કટ્ટરવાદી મુસ્લિમોએ ભારતને સીધો પડકાર જ ફેંકી દીધો છે કે, અમે હિંદુઓને શોધી શોધીને મારીશું, ભારતથી થાય એ તોડી લે.

બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓ દેશ છોડીને ભાગી જાય નહિંતર અમે તેમને આ રીતે કૂતરાનાં મોતે જ મારીશું.બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યા પણ અત્યંત ક્રૂરતાથી કરાઈ રહી છે કે જેથી હિંદુઓમાં ડર પેદા થાય. હુમલાની આ ઘટનાઓમાં મૂક સાક્ષી બનીને બાંગ્લાદેશી પોલીસ પૂરો સાથ આપી રહી છે.

તેથી બાંગ્લાદેશમાં હિંદુઓ પોતાના હાલ પર છે. બાંગ્લાદેશના રાજકારણમાં જે કંઈ થઈ રહ્યું છે એ તેની આંતરિક બાબત છે પણ તેના બહાને હિંદુઓને ખતમ કરવાનો એજન્ડા અમલમાં મૂકાય તેની સામે ભારતે ચૂપ ના જ રહેવું જોઈએ. હું ભારત દુનિયામાં હિંદુઓનો સૌથી મોટો દેશ છે ત્યારે બાંગ્લાદેશના હિંદુઓની ભારતે જ ચિંતા કરવી પડે. ઠાલાં રાજદ્વારી પગલાંના બદલે બાંગ્લાદેશને ચમકારો બતાવવો પડે.











