HomeAllડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું', ભારત-અમેરિકા ટ્રેડ...

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત્રીનું મોટું નિવેદન

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ખેડૂત હિતૈષી રહ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે, અમેરિકા સાથે જે નવો વેપાર કરાર થયો છે તેમાં પણ ભારતીય ખેડૂતોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

મુખ્ય પાક પકવતા ખેડૂતો માટે શું?

કૃષિ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ સમજૂતી વિવિધ મુખ્ય ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા ખેડૂતોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તેમણે કહ્યું, “ઘઉં, ચોખા, મકાઈ, સોયાબીન અને બરછટ અનાજ (મિલેટ્સ) પકવતા ખેડૂતોના હિતોનું પૂરતું ધ્યાન રખાયું છે. આ ઉપરાંત, આપણા ફળ અને શાકભાજી ઉત્પાદકોના હિતોને પણ આ કરારમાં સંપૂર્ણ રક્ષણ આપવામાં આવ્યું છે.”

સંવેદનશીલ ક્ષેત્રો માટે કડક મર્યાદા

શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું હતું કે, સરકારે કેટલાક સંવેદનશીલ ક્ષેત્રો માટે કડક મર્યાદાઓ જાળવી રાખી છે. તેમણે કહ્યું કે, પોલ્ટ્રી અને ડેરી ઉત્પાદનો માટે દેશના દરવાજા ખોલવામાં આવ્યા નથી. આ કરારથી ભારતના મસાલા ઉત્પાદક ખેડૂતોને અમેરિકા જેવું વિશાળ નવું બજાર મળશે.

બજાર વિસ્તરણની શક્યતાઓ

મંત્રીએ નવા કરાર હેઠળ ભારતીય ઉત્પાદનો માટે બજાર વિસ્તરણની તકો પર પ્રકાશ પાડ્યો અને દાવો કર્યો કે, ચા, કોફી અને પનીર જેવી વસ્તુઓ માટે નવું બજાર મળવાથી નિકાસમાં વધારો થશે. ટેક્સટાઇલ (કાપડ) ની નિકાસ વધવાથી કપાસ ઉત્પાદક ખેડૂતોને મોટો ફાયદો થશે. આનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને તેઓ આર્થિક રીતે મજબૂત બનશે.

રાહુલ ગાંધી પર આકરા પ્રહાર

ચૌહાણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને ‘જૂઠા’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીને દેશના ખેડૂતો સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ વીડિયો દ્વારા જૂઠાણું ફેલાવીને ભ્રમ પેદા કરી રહ્યા છે.” ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ 12 ફેબ્રુઆરીએ આક્ષેપ કર્યો હતો કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન થશે. જેનો કૃષિ મંત્રીએ જડબાતોડ જવાબ આપ્યો છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!