
ધોળાવીરા પ્રવાસ કરવો હવે વધુ સરળ બને તે માટે 575 કરોડના ખર્ચે 106 કિમી લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-754Kને 2-લેન પેવ્ડ શોલ્ડર સાથે અપગ્રેડ કરવાની મંજૂરી મળી છે. કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગેની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર મારફતે કરી છે.

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાને પ્રવાસનની દ્રષ્ટિએ નવી ભેટ મળવા જઈ રહી છે. કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ધોળાવીરાથી સંતાલપુર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-754Kના 106 કિલોમીટર લાંબા રસ્તાને પેવ્ડ શોલ્ડર સાથેના 2-લેન રોડમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે.

575.07 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ રોડ કચ્છના રણને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 (પૂર્વ-પશ્ચિમ કોરિડોર) સાથે જોડતો મહત્વનો રણનીતિક લિંક બનાવશે, જેનાથી ધોળાવીરા અને કચ્છના દૂરના વિસ્તારોમાં પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને નોંધપાત્ર બળ મળશે.

આ રોડ અપગ્રેડેશનથી હડપ્પન સંસ્કૃતિનું એક અગ્રણી પુરાતત્વીય સ્થળ ધોળાવીરાની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. હાલનો રસ્તો ટ્રાફિકની ભીડ અને અવારનવાર થતા અકસ્માતોનો માર સહન કરે છે.

નવો 2-લેન પેવ્ડ શોલ્ડર રોડ આ સમસ્યાઓ ઘટાડશે, સડક સલામતીમાં વધારો કરશે અને વાહનોની ઓપરેટિંગ કોસ્ટ ઘટાડીને પ્રવાસીઓને સરળ અને આરામદાયક મુસસામી અનુભવ પ્રદાન કરશે. આ ઉપરાંત, વધુ સારું માઈલેજ પ્રદાન કરશે, જેનાથી પ્રવાસીઓ માટે ધોળાવીરા પહોંચવું વધુ અનુકૂળ બનશે.

આ પ્રોજેક્ટ માત્ર પ્રવાસનને જ નહીં, પરંતુ કચ્છના ખનિજ અને મીઠાના ઉદ્યોગો માટે પણ એક મહત્વપૂર્ણ કોરિડોર બનશે. ધોળાવીરાની સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વતા સાથે જોડાયેલ આ પ્રોજેક્ટ કચ્છના અલગ-થલગ વિસ્તારોને ગુજરાતના બાકીના ભાગો સાથે નજીક લાવશે. સાથે જ આ નવો રસ્તો ધોળાવીરાના પ્રાચીન ઈતિહાસ અને કચ્છના રણની અનોખી સુંદરતાને અનુભવવા ઈચ્છતા પ્રવાસીઓ માટે એક નવો દ્વાર ખોલશે.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા સરકારે સ્વદેશ દર્શન 2.0 પ્રોજેક્ટ હેઠળ ધોળાવીરાને એક સસ્ટેનેબલ અને રિસ્પોન્સિબલ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રૂ. 135 કરોડનું રોકાણ કર્યું હતું. આ યોજના હેઠળ ટેન્ટ સિટી, એમ્ફિથિયેટર, કલ્ચર વિલેજ, ટુરિસ્ટ પ્લાઝા અને રસ્તાઓના વિકાસ જેવા પ્રોજેક્ટ્સ હાથ ધરાયા છે. ઉપરાંત કચ્છની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને ઉજાગર કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે, જે પ્રવાસીઓને પ્રાચીન નગર ધોળાવીરાની સ્ટોરીને વધુ આકર્ષક રીતે જણાવશે.

ધોળાવીરા એ ગુજરાતનું ગૌરવ અને ભારતની સાંસ્કૃતિક ધરોહરનું પ્રતીક છે. 120 એકરમાં ફેલાયેલું હડપ્પા સભ્યતાનું શહેર આ શહેર 1967-68માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને મળી આવ્યું હતું . જે બાદઆ સ્થળે 1990થી ઉત્ખનન શરૂ થયું હતું અને કરાકોટા, માટીકામ, સોના-તાંબાના ઘરેણાં, સીલ અને પ્રાણીઓની મૂર્તિઓ મળી આવી હતી. આ સ્થળની નગર રચના અને ગટર વ્યવસ્થા આજે પણ વિશ્વભરના પુરાતત્વવિદો અને પ્રવાસીઓને આકર્ષે છે. માટે આ જગ્યાને સરકારી પહેલ, ફેસ્ટિવલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ દ્વારા વૈશ્વિક પ્રવાસન નકશામાં અગ્રસ્થાને લઈ જવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે.





















