HomeAllધોરડો ખાતેથી રણોત્સવનો પ્રારંભ : કચ્છ બન્યું પ્રવાસનનું તોરણ

ધોરડો ખાતેથી રણોત્સવનો પ્રારંભ : કચ્છ બન્યું પ્રવાસનનું તોરણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવ 2025નો સફેદ રણ ધોરડોથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરીટ ટુરીઝમ ડેસ્ટીનેશન બનાવવાનું વડાપ્રધાનનું સપનું સાકાર થયું છે.

રણોત્સવ હવે ગ્લોબલ ઈવેન્ટ બની ગયો છે અને સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી વડાપ્રધાનની પ્રેરણાથી રચાયેલું ધોરડો મોડલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ-રાષ્ટ્રીય ગીતના 150 વર્ષના અવસરને સાંકળતા એકત્વ- એક દેશ, એક ગીત, એક ભાવના થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો, કચ્છી કલા અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રણોત્સવનું ઉદઘાટન કર્યુ હતું.

તેમણે કચ્છના પ્રવાસનને વેગ આપવા લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના રૂ. 179 કરોડના વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં કર્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યુ કે, તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ રણોત્સવની શરૂઆત કરાવતા કહ્યુ હતું કે, એક દિવસ દુનિયાભરમાંથી પ્રવાસીઓ ધોરડો આવશે અને કચ્છની સંસ્કૃતિને માણશે. આ વાત આજે સાચી થઈ છે. વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશને ધોરડોને `બેસ્ટ ટુરિઝમ વિલેજ’નો એવોર્ડથી નવાજ્યુ છે.

કચ્છી ભૂંગા અને કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિ સાથે આધુનિક સુવિધા સાથેના ટેન્ટ સિટીથી વડાપ્રધાનનો `વિરાસત ભી, વિકાસ ભી’ અભિગમ સાકાર થયો છે એમ તેમણે ઉમેર્યું હતું.

રણોત્સવમાં આવતા લાખો સહેલાણીઓના કારણે પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળવા સાથે ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્થાનિક હસ્તકલા કારીગરી ચીજવસ્તુઓને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ મળ્યો છે.

પ્રવાસીઓની સુવિધા માટે હજી વધારેને વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની રાજ્ય સરકારની નેમ તેમણે વ્યક્ત કરી હતી. સફેદ રણ સુધી પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ઉત્તમ રસ્તા, બસ કનેક્ટિવિટી, ભુજ સુધી રેલ અને એર કનેક્ટિવિટી વડાપ્રધાનના વિઝનથી મળી છે તેનાથી પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે.

ગત રણોત્સવમાં 10 લાખથી વધુ પ્રવાસીઓએ સફેદ રણનો આનંદ માણ્યો છે.ધોરડો ખાતે મુખ્યમંત્રીએ સફેદ રણની મુલાકાત લઈને રણના સૌંદર્ય સાથેના સૂર્યાસ્તના નજારાને માણ્યો હતો. તેમણે ધોરડો ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારત, એક ભારતના વિઝનને જનજન સુધી પહોંચાડવાની ભાવનાને ચરિતાર્થ કરતા સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગની પ્રસ્તુતિ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અનિદ્ધભાઈ દવે, પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જીએલપીસીના એમડી સુધીર પટેલ, ગુજરાત પ્રવાસન નિગમના મે. ડિરેક્ટર પ્રભવ જોષી, દેવજીભાઈ વરચંદ, ધોરડો ગ્રામ પંચાયત સરપંચ મિયાં હુશેન સહિતના પદાધિકારિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!